Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જમ્મુ-કાશ્મીર : આતંકીઓએ ૩ પોલીસ કર્મીના અપહરણ બાદ કરી હત્યા

હિઝબુલ મુઝાહિદ્દીને અધિકારીઓને રાજીનામુ આપવાની કે મરવા માટે તૈયાર રહેવાની આપી હતી ધમકી

 

શ્રીનગર તા. ૨૧ : જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આજે ૩ પોલીસ કર્મીઓનું અપહરણ કરીને હત્યા કરી જમ્મુ-કાશ્મીર પોલીસે તેને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક ત્રાસવાદીઓએ આ પોલીસ કર્મીનું અપહરણ કર્યા બાદ હત્યા કરી. જેમાં ૨ સ્પેશ્યલ પોલીસ ઓફિસર અને ૧ પોલીસ કર્મી સામેલ હતા. પોલીસ કર્મીઓએ મૃતદેહો સર્ચ ઓપરેશન દરમિયાન કાપરાન ગામમાંથી મળ્યા.

તાજેતરમાં આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીને પોલીસકર્મીઓને રાજીનામું આપવાની કે મરવા માટે તૈયાર રહેવાની ધમકી આપી હતી. હિઝબુલના ધમકીભર્યા પોસ્ટર જમ્મુ-કાશ્મીરના કેટલાંય ગામમાં લગાવ્યા હતા અને સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરાઇ રહ્યો હતો.

તેમાં કહ્યું હતું કે જે લોકો પોલીસમાં નોકરી કરી રહ્યાં છે તેઓ ચાર દિવસની અંદર પોતાના રાજીનામાં આપી દઇએ નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. ૨ મિનિટના આ વીડિયોમાં પોલીસના પરિવારને પણ નિશાન બનાવાની ધમકી આપી હતી. એટલું જ નહીં રાજીનામાંની કોપી પણ ઇન્ટરનેટ પર અપલોડ કરવાનું કહ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા આ ધમકી એ સમયે સામે આવી રહી છે જયારે કેન્દ્રે જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આતંકી સંગઠન કાશ્મીરમાં પંચાયત ચૂંટણી પહેલાં દહેશત ફેલાવીને ચૂંટણી પ્રક્રિયામાં અડચણ ઉભી કરવા માંગે છે. કાશ્મીર ઘાટીમાં આની પહેલાં તમામ પોલીસકર્મીઓના અપહરણ કરી હત્યા કરાઇ હતી. આતંકીઓએ કેટલાંય પોલીસવાળાઓના પરિવારના સભ્યોને નિશાન બનાવ્યા હતા.

પોલીસ કોન્સ્ટેબલ ઔરંગઝેબના મામલાની પૂરી દેશમાં ચર્ચા થઇ હતી જેમને આતંકીઓએ અપહરણ કરી કરપીણ હત્યા કરી હતી. દક્ષિણ કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાંથી આતંકવાદીઓએ ૬ લોકોનું અપહરણ કર્યું હતું. આ તમામ પોલીસવાળાઓના પરિવારજનો હતા જેમને બાદમાં છોડાવી દીધા હતા.(૨૧.૨૦)

(3:44 pm IST)