Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ઇરાન પાસે ભારત પોતાની શરતથી હવે તેલ ખરીદશે : રૂપિયામાં કરશે પેમેન્‍ટ

હાલમાં ભારતીય પેટ્રોલ રિફાઇનર્સ યૂરોમાં ઇરાનથી કાચુ તેલ ખરીદે છે

નવી દિલ્‍હી તા. ૨૧ : ઈરાન પર અમેરિકાના પ્રતિબંધ બાદ ભારત દ્વારા તેલ આયાતને લઈ નવી જાણકારી મળી રહી છે. મીડિયા રિપોટ્‍સ અનુસાર, ભારત હવે પોતાની શરત પર ઈરાન પાસેથી તેલ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાન પર અમેરિકા તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધો બાદ યૂરોપિય બેન્‍કો દ્વારા વ્‍યાપાર મુશ્‍કેલ થઈ ગયો છે. એવામાં ભારત હવે નવેમ્‍બરથી પોતાની બેન્‍કો દ્વારા ભારતીય કરન્‍સીમાં જ ઈરાન પાસેથી તેલ ખરીદશે. એટલે કે ઈરાન પાસે તેલ ખરીદવા માટે પેમેન્‍ટ રૂપિયામાં કરવામાં આવશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ૨૦૧૫માં ઈરાન સાથે થયેલા ન્‍યુક્‍લિયર કરારને આ વર્ષે મે મહિનામાં રદ કરી દીધો હતો. આ સાથે જ અમેરિકાના પ્રતિબંધને નવી રીતે લાગુ કરવાની જાહેરાત કરી દીધી હતી, જેમાંથી કેટલાક પ્રતિબંધ ૬ ઓગષ્ટથી લાગુ થઈ ગયા છે, જયારે બાકી પ્રતિબંધ ૪ નવેમ્‍બરથી લાગુ થવા જઈ રહ્યા છે.

પેટ્રોલિયમ ઈન્‍ડસ્‍ટ્રીઝના સૂત્રોએ જણાવ્‍યું કે, અમે દરેક પ્રકારની સંભાવના પર વિચાર કરી રહ્યા છીએ. અમારે પેમેન્‍ટ કરવું પડશે અને અમે આમાં ડિફોલ્‍ટ કરવા નથી માંગતા.

સૂત્રો અનુસાર, સરકારે ઈરાનને તેલ આયાતના બદલામાં પેમેન્‍ટની સરળતા માટે યૂકો બેન્‍ક અને આઈડીબીઆઈ બેન્‍કને પસંદ કર્યા છે.

હાલમાં ભારતીય પેટ્રોલ રિફાઈનર્સ યૂરોમાં ઈરાનથી કાચુ તેલ ખરીદે છે. આનું પેમેન્‍ટ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડીયા (એસબીઆઈ) અને જર્મનીની એક બેન્‍ક દ્વારા થાય છે. જોકે, એસબીઆઈએ હવે રિફાઈનર્સને જણાવ્‍યું કે, બેન્‍ક નવેમ્‍બરથી ઈરાનના પેમેન્‍ટની જવાબદારી છોડી રહ્યું છે.

જયારે એક સૂત્રએ જણાવ્‍યું કે, જયારે અમેરિકાએ મે મહિનામાં પ્રતિબંધોને ફરીથી લાગુ કરવાની ઘોષણા કરી હતી, ત્‍યારે ઈરાનને કેટલાક જહાજની ખેપ માટે રૂપિયામાં પેમેન્‍ટ કરવામાં આવ્‍યું હતું.

જૂનમાં એવો રિપોર્ટ આવ્‍યો હતો કે, ભારત ઈરાન સાથે રૂપિયામાં લેવડ-દેવડ માટે પોતાના જુના તંત્રને ફરી જાગૃત કરી રહ્યું છે. આ પહેલા પણ જયારે પ્રતિબંધ લગાવવામાં આવ્‍યો હતો, ત્‍યારે ભારતે તેલ ખરીદવા માટે બાર્ટર જેવી સ્‍કીમ અપનાવી હતી. તે સમયે મિડિલ ઈસ્‍ટના દેશોએ ભારતથી સામાન આયાત કરવા માટે રૂપિયામાં લેવડ-દેવડ કર્યું હતું.

(10:30 am IST)