Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

રવિવારથી ‘મોદી કેર'નો પ્રારંભ : ૨૭ રાજ્‍યો - ૧૫૦૦૦ હોસ્‍પિટલો તૈયાર

પીએમ મોદી ૨૩મીએ યોજનાની કરશે શરૂઆત : ૨૫મીથી વિધિવત રીતે શરૂ : કેન્‍દ્ર ખર્ચ કરશે ૩૫૦૦ કરોડ : ૧૦.૭૪ કરોડ ગરીબ પરિવારોને ૫ લાખ સુધીનો મળશે સ્‍વાસ્‍થ્‍ય વીમો

નવી દિલ્‍હી તા. ૨૧ :૨૫ સપ્‍ટેમ્‍બરે ૨૭ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં વડાપ્રધાન જન આરોગ્‍ય યોજના (PMJAY)ની શરૂઆત થઈ જશે. નીતિ આયોગના એક સભ્‍યએ જણાવ્‍યું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ આ મહત્‍વકાંક્ષી યોજનાનો શુભારંભ રવિવારે કરવા જઈ રહ્યા છે. દેશભરના ૧૫ હજાર સરકારી તેમજ ખાનગી હોસ્‍પિટલોએ આ યોજનામાં ભાગદારી લેવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી છે. આ જાણકારી નીતિ આયોગના સભ્‍ય વી કે પોલ અને આ યોજનાના અગ્રણી રણનીતિકારે એક ઈન્‍ટરવ્‍યુમાં આપી.

તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન ૨૩મી સપ્‍ટેમ્‍બરે યોજનાનું ઉદ્ધાટન કરશે, પરંતુ પ્રભાવી રીતે તે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયના જન્‍મદિવસ ૨૫મી સપ્‍ટેમ્‍બરે લાગુ થશે.' તેમના કહેવા મુજબ, કેન્‍દ્ર સરકારે એપ્રિલ ૨૦૧૯ સુધી આ યોજના પર લગભગ ૩,૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. પોલે વધુમાં જણાવ્‍યું કે, ‘વડાપ્રધાન દ્વારા ઉદ્ધાટનની સાથે જ ૨૭ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનાની શરૂઆતની શક્‍યતા છે.'

નીતિ આયોગના સભ્‍યએ કહ્યું કે, પાંચ કે છ રાજયએ સહી નથી કરી, જેથી જયાં સુધી તેમાં સામેલ નહીં થાય ત્‍યાં સુધી ત્‍યાં આ યોજના લાગુ નહીં થઈ શકે. તેમણે કહ્યું કે, આ રાજયો કદાચ ૨-૩ મહિનામાં યોગ્‍ય રીતે યોજનાની શરૂઆત કરી દેશે. પોલે એમ પણ કહ્યું કે, સરકાર ટિયર ૨ અને ટિયર ૩ શહેરોમાં આ યોજનાથી આવતા પાંચ વર્ષમાં હજારો નવી હોસ્‍પિટલોને જોડવાની આશા રાખી રહી છે. તેમણે જણાવ્‍યું કે, ‘ આ યોજનામાં સામેલ થવા અમને ૧૫ હજાર હોસ્‍પિટલોની અરજી મળી છે. તેમાંથી અડધા એટલે કે ૭,૫૦૦ અરજી પ્રાઈવેટ હોસ્‍પિટલોમાંથી આવી છે.' તેમણે કહ્યું કે, કેટલાક રાજયોમાં હોસ્‍પિટલોને જોડવાની પ્રક્રિયા હજુ શરૂ થવાની છે.

તેમણે જણાવ્‍યું કે, નાના શહેરોમાં હોસ્‍પિટલોમાં પૂરતું પાયાગત માળખું તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જયારે કે પ્રાઈવેટ હોસ્‍પિટલોની ૩૦ ટકા ક્ષમતાનો ઉપયોગ નથી થઈ રહ્યો, જે યોજના માટે ઉપલબ્‍ધ છે.

PMJAYને લાગુ કરવામાં જીએસટી જેવી જ સમસ્‍યા નહીં આવે, તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્‍યું કે, સરકારે એ સુનિશ્વિત કરવાની દિશામાં પગલાં ઉઠાવ્‍યા છે કે આઈટી સિસ્‍ટમમાં કોઈ ગરબડ ન આવે. તેમણે જણાવ્‍યું કે, તેલંગણામાં ઓરિજનલ સોફટવેરની તપાસ કરવામાં આવી છે અને તેમાં સુધારો કરવામાં આવ્‍યો છે.

શું યોજનાના લાભાર્થીઓએ કોઈ કાર્ડ આપવું પડશે, આ સવાલના જવાબમાં પોલે કહ્યું કે, લાભાર્થીઓએ પોતાની ઓળખ સાબિત કરવી પડશે. તેના માટે આધાર કાર્ડ કે મતદાન ઓળખ પત્ર કે રેશનિંગ કાર્ડ બતાવી શકે છે. નીતિ આયોગના સભ્‍યે કહ્યું કે, સામાજિક-આર્થિક તેમજ જાતિય વસ્‍તી ગણતરી ૨૦૧૧માં જેમને ગરીબ માનવામાં આવ્‍યા છે, તે બધાને આ યોજનાનો લાભ મળશે.

યોજનાનો હેતુ ૧૦ કરોડ ૭૪ લાખ ગરીબ પરિવારોને ૫ લાખ રૂપિયાનો વાર્ષિક સ્‍વાસ્‍થ્‍ય વિમો આપવામાં આવનાર છે. આ યોજનામાં દેશની ૪૦ ટકા વસ્‍તીનો સમાવેશ થઈ જશે. દુનિયાના આ સૌથી મોટા હેલ્‍થકેર પ્રોગ્રામનો ૬૦ ટકા ખર્ચ કેન્‍દ્ર સરકાર ઉઠાવશે, જયારે બાકીની ૪૦ ટકા રકમનું યોગદાન રાજયોએ કરવું પડશે.

(10:28 am IST)