Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

કેશ ફલોમાં વધારો...નોટબંધી કરતા ૧.૫ લાખ કરોડની વધુ કરન્‍સી બજારમાં: તહેવારો કે ૪ રાજ્‍યોની ચૂંટણી ?

નોટબંધી સમયે ૧૭.૯૭ લાખ કરોડની રોકડ હતી હાલ ૧૯.૪૮ લાખ કરોડની છે

નવી દિલ્‍હી, તા. ૨૧ : દેશને ડીજીટલ ઈકોનોમી તરફ લઈ જવાના તમામ પ્રયાસો છતા લોકો આજે પણ રોકડ વ્‍યવહાર વધારે પસંદ કરે છે. ૧૪ સપ્‍ટેમ્‍બરના આંકડા પ્રમાણે ભારતીય ચલણમાં રોકડ નાણાની સંખ્‍યા ૧૯.૪૮ લાખ કરોડે પહોંચી છે. ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ આ સંખ્‍યા ૧૮.૨૯ લાખ કરોડ હતી. નોટબંધીના સમયે દેશમાં ૧૭.૯૭ કરોડની રોકડ કરન્‍સી હતી જે લગભગ દોઢ લાખ કરોડ વધીને ૧૯.૪૮ લાખ કરોડ થઈ ગઈ છે. રિઝર્વ બેન્‍કની પરિભાષામાં ચલણમાં મુદ્રાનો મતલબ નોટ અને સિક્કા બન્‍ને છે. સાપ્તાહિક આધાર પર કરન્‍સીમાં વધારો દર અઠવાડીયે ૮૩૦૦ કરોડ હતો પણ વાર્ષિક આધાર પર આ વધારો ૨૩ ટકા છે.

જો કે એનડીટીવીના રીપોર્ટ અનુસાર કેશ ફલોમાં વધારાનું કારણ તહેવારોની આવી રહેલી મોસમ હોય શકે છે. એમ પણ મનાઈ રહ્યુ છે કે દેશના ચાર રાજ્‍યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીના કારણે પણ લોકો પાસે રોકડ વધી રહી છે. રોકડમાં વધારો થવાનું એક વધારાનું કારણ મોંઘવારી છે. અર્થશાસ્‍ત્રના નિયમો અનુસાર જ્‍યારે મોંઘવારી વધે છે, ત્‍યારે લોકોને વધારે ખર્ચ કરવો પડે છે, એટલે બજારમાં રોકડ નાણાની માત્રા વધે છે. જો કે હાલમાં જથ્‍થાબંધ અને છૂટક મોંઘવારી દરમાં ઘટાડો થયો છે પણ પેટ્રોલીયમ પદાર્થોનો ભાવ વધારો ખાસ કરીને ડીઝલની વધેલી કિંમતો મોંઘવારી વધારી રહી છે.

(10:18 am IST)