Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ચિદમ્બરમ કીંગપીનઃ આજે નહિ તો કાલે ધરપકડ નિશ્ચિત

એરસેલ મેકસીસના ૩૫૦૦ કરોડના એવીએશનના હજારો કરોડના કૌભાંડમાં પૂર્વનાણામંત્રી માટે જેલવાસ નિશ્ચિત બન્યો છે : આઇએનએકસ મીડીયા ભષ્ટ્રાચાર કાંડના તાર ઇન્દ્રાણી મુખરજી સુધી પહોંચે છે

કાનૂનના હાથ બહુ લાંબા હોય છે. તપાસ એજન્સી સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટે પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી પી. ચિદમ્બરમને એક નહીં પરંતુ ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં બરાબરના સાણસામાં લીધા છે.

સૌ પ્રથમ તો આઈએનએકસ મીડિયા કેસ, કે જેમાં સોમવારે દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમને 'કિંગપીન'લેખાવતાં કહ્યું છે કે, આ કલાસીકલ મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમ કી કોન્સ્પીરેટર અર્થાત્ મુખ્ય સૂત્રધાર હોય તેવી સંભાવના ઉપલબ્ધ દસ્તાવેજો પરથી પ્રથમદર્શીય પુરાવાના આધારે ફલિત થાય છે. તેથી ચિદમ્બરમને આગોતરા જામીન આપી શકાય નહીં.

ચિદમ્બરમને આ કેસમાં છેલ્લા ૧૫ મહિનામાં કુલ ૨૮ વખત આગોતરા જામીન પ્રાપ્ત થયા હતા અને સોમવારે બપોરે અંદાજે ૩.૩૦ કલાકે દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીન આપવાનો ઈનકાર કરતાં ચિદમ્બરમની ધરપકડનો માર્ગ મોકળો બન્યો હતો.

અલબત્ત્।, ચિદમ્બરમના વકીલોએ અદાલતને અપીલ માટે ત્રણ દિવસનો સમય આપવાની વિનંતી કરી હતી. એટલું જ નહીં, આ ચુકાદા સામે કમ સે કમ એક દિવસનો સ્ટે આપવાની પણ વિનંતી કરી હતી. જે અદાલતે ગ્રાહ્ય ન રાખતાં મામલો ત્વરિત સુપ્રીમ કોર્ટના આંગણે પહોંચ્યો હતો. ચિદમ્બરમના વકીલો કપિલ સિબ્બલ ઉપરાંત અભિષેક મનુસિંદ્યવી અને સલમાન ખુર્શીદે સુપ્રીમ કોર્ટને અરજન્ટ હિયરિંગની વિનંતી કરવા ઉપરાંત દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે સ્ટેની માગણી કરી હતી. જેને નકારતાં સુપ્રીમ કોર્ટે આ મેટર બુધવારે સવારે સિનિયર મોસ્ટ જજ સમક્ષ રજૂ કરવા સૂચન કર્યું હતું. કારણકે, બુધવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સ્વયં રામમંદિર વિવાદના કેસમાં હિયરીંગ માટે વ્યસ્ત રહેશે. ટૂંકમાં, સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળતાં ચિદમ્બરમ એકાએક લાપતા થઈ ગયા કે કયાંક ભૂગર્ભમાં જતા રહ્યા. સીબીઆઈની અને એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટની ટીમ તેમને શોધવા જોરબાગ ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચી ત્યારે તેઓ દ્યરમાં હાજર નહોતા. બુધવારે ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળશે કે કેમ એની ચર્ચા અત્યારે અર્થહીન છે, પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે, ચિદમ્બરમ સામે સીબીઆઈ અને ઈડી દ્વારા કાનૂની સકંજો  એક નહીં, પરંતુ ત્રણ ત્રણ કેસમાં સખ્તાઈથી કસાઈ ચૂકયો છે અને આજે નહીં તો આવતીકાલે ચિદમ્બરમની ધરપકડની શકયતા નકારી શકાય તેમ નથી.

સૌ પ્રથમ આઈએનએકસ મીડિયા કેસ શું છે તેનો સંદર્ભ સમજવાની કોશિશ કરીએ. સીબીઆઈએ ગત મે-૨૦૧૭માં એક એફઆઈઆર ફાઈલ કરતાં કહ્યું હતું કે, આઈએનએકસ મીડિયા ગ્રૂપને વિદેશથી ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાનું ભંડોળ મેળવવાનું કિલયરન્સ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ દ્વારા અપાયું હતું ત્યારે ચિદમ્બરમ કેન્દ્રીય નાણાંમંત્રી હોવા ઉપરાંત આ બોર્ડના ચેરમેન હતા. સીબીઆઈએ દિલ્હી હાઈકોર્ટને દસ્તાવેજી પુરાવાઓ આપીને પુરવાર કરવાની કોશિશ કરી હતી કે, ચિદમ્બરમે પોતાના પુત્ર કાર્તિની ભલામણને કેન્દ્રમાં રાખી નીતિનિયમોને અવગણીને ગેરકાયદે ઢબે આ મંજૂરી આપી હતી.

૨૦૦૮ જાન્યુઆરીમાં નાણાં મંત્રાલયના ફાયનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા એક કેસ નોંધાયો હતો. જેમાં સૂચવાયું હતું કે, મોરેશિયસ ખાતેની ત્રણ કંપનીઓએ આઈએનએકસ મીડિયા પ્રા.લિ. કંપનીને ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટના નામે ૩૦૫ કરોડનું ભંડોળ પૂરું પાડ્યું છે અને આ કંપનીના માલિકો પીટર અને ઈન્દ્રાણી મુખરજી છે. ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ-મુંબઈ દ્વારા આ કેસ એનફેર્સમેન્ટ ડિરેકટોરેટને સોંપવામાં આવ્યો હતો અને ૨૦૧૦માં ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એકટ-ફેમાના નીતિનિયમોના કહેવાતા ભંગ બદલ કેસ નોંધાયો હતો.

એ તબક્કે આ કેસમાં ઈન્દ્રાણી અને પીટર મુખરજીની સંડોવણી સિવાય અન્ય કોઈ મહાનુભાવોની સામેલગીરીનો કોઈને અંદાજ નહોતો(શીના બોરા મર્ડર કેસના આરોપીઓ પીટર અને ઈન્દ્રાણી મુખરજી યાદ છે ને? આ બંને પાવરફુલ દંપતી સામે પોતાની સાવકી દિકરીના મર્ડરનો કેસ નોંધાયેલો છે.)  બે વર્ષ પહેલાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ કાર્તિ ચિદમ્બરમની અન્ય એક કેસમાં તપાસ અને પૂછપરછ કરી રહી હતી ત્યારે તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કમ્પ્યુટરમાંથી મળેલી કેટલીક એન્ટ્રીઓ સૂચવતી હતી કે, આઈએનએકસ મીડિયા પાસેથી કાર્તિ ચિદમ્બરમની કંપનીને ૧૦ લાખ ડોલરની ચૂકવણી થઈ છે અને એ સમયગાળા દરમિયાન જ ઈન્દ્રાણી-પીટર મુખરેજાની કંપનીને ૩૦૫ કરોડ રૂપિયાનું ભંડોળ મોરેશિયસ રૂટથી લાવવાની મંજૂરી પિતાશ્રી ચિદમ્બરમ દ્વારા અપાયાનો આક્ષેપ-આરોપ ઈડી દ્વારા મૂકાયો અને મે-૨૦૧૭માં ભ્રષ્ટાચાર અંગેનો વિધિવત્ કેસ કાર્તિ અને પી. ચિદમ્બરમ સામે નોંધાયો.

આ કેસમાં કાર્તિની ધરપકડ ગત વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી અને ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે કાર્તિને જામીન આપ્યા હતા, એટલું જ નહીં, હવે શ્રીમાન કાર્તિ ચિદમ્બરમ તામિલનાડુમાંથી શિવગંગા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદ પણ છે. સીબીઆઈની એફઆઈઆર અનુસાર આ કિસ્સામાં ચિદમ્બરમની સંડોવણી સ્પષ્ટ પણ ઉડીને આંખે વળગતી હતી. એટલું જ નહીં, ચિદમ્બરમના પુત્ર કાર્તિએ આ ભંડોળ મેળવવામાં લાયેઝનિંગ કર્યું હોવાના પુરાવા ખુદ ઈન્દ્રાણી મુખરજીએ સીબીઆઈને આપ્યા છે. એટલું જ નહીં, ગત પાંચમી જુલાઈએ મુંબઈની સીબીઆઈ અદાલતે ઈન્દ્રાણી મુખરજીને આ કેસમાં સરકારી ગવાહ યાને કે તાજના સાક્ષી બનવાની વિધિવત પરવાનગી આપી છે.

ઈન્દ્રાણી મુખરજીએ એફિડેવિટ દ્વારા કહ્યું છે કે, આ વિદેશી ભંડોળ મેળવવા માટે તેમણે અને તેમના પતિ પીટર મુખરેજાએ કાર્તિ ચિદમ્બરમને કટકી ચૂકવી હતી અને કટકે કટકે ચૂકવાયેલી કટકીના પુરાવા આપવા ઈન્દ્રાણીએ સંમતિ આપી છે.  ટૂંકમાં, ઈન્દ્રાણી પીટર મુખરેજાએ આ કેસમાં વટાણાં વેરી નાખતાં ચિદમ્બરમની હાલત કફોડી થઈ ગઈ છે. આ સંદર્ભમાં હાઈકોર્ટે ગત જાન્યુઆરીથી પડતર ચુકાદો મંગળવારે બપોરે આપતાં કહ્યું હતું કે, આ કિસ્સામાં પ્રથમ દૃષ્ટિએ ચિદમ્બરમ માત્ર કિંગપીન જ નહીં, પરંતુ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર કે ભેજાંબાજ જણાય છે.

 મની લોન્ડરિંગનો આ કલાસિક કેસ છે. આર્થિક ગુનાખોરી આચરીને સુનિયોજિત ષડયંત્ર દ્વારા જંગી રકમ મોરેશિયસ રૂટથી ભારતમાં લવાઈ છે ત્યારે આ કેસની ગંભીરતા જોતાં ચિદમ્બરમનું કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન જરૂરી છે. કારણકે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ હેઠળ સીબીઆઈએ પૂરતા દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કર્યા છે અને તપાસ એજન્સીઓની ફરિયાદ અનુસાર ચિદમ્બરમ તપાસમાં સહકાર આપતા નથી. અદાલતે એ પણ નોંધ્યું હતું કે, ચિદમ્બરમ પૂર્વ કેન્દ્રીય મંત્રી હોય કે સાંસદ હોય તો પણ કાનૂનની દષ્ટિએ આ કિસ્સામાંથી છટકી શકે તેમ નથી. સાથોસાથ એમ પણ ઉમેર્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ આ કેસમાં કોઈ રાજકીય કિન્નાખોરી દેખાતી નથી. વાતનો સાર એટલો છે કે, આઈએનએકસ મીડિયા કેસમાં ચિદમ્બરમના માથે ધરપકડની તલવાર તોળાઈ રહી છે.

મંગળવારે મોડી રાત્રે સીબીઆઈએ ચિદમ્બરમના નિવાસસ્થાને ધરપકડની નોટિસ ચીપકાવી દીધી છે અને તેઓને બે કલાકમાં સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા સૂચના અપાઈ છે. આ મામલો શ્નજો અને તો નો છે. જોકે, બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે, એવિએશન કૌભાંડમાં પણ ચિદમ્બરમને ૨૩મી ઓગસ્ટે ઉપસ્થિત રહેવા સૂચના અપાઈ છે. આ કૌભાંડમાં અગાઉ પૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલની પૂછપરછ થઈ ચૂકી છે અને એર ઈન્ડિયા માટે ૧૧૧ એરક્રાફ્ટની ખરીદી ઉપરાંત એરટ્રાફિકના રૂટ એલોટમેન્ટમાં ગેરરીતિ સબબ ચિદમ્બરમને ખુલાસો કરવા ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

 એરસેલ મેકસેસનો ૩૫૦૦ કરોડનો કેસ પણ લટકામાં પડતર છે ત્યારે ચિદમ્બરમ માટે આવનારો સમય કપરો પુરવાર થશે તે નિશ્યિત છે.

(નવ ગુજરાત સમયના એડીટર ઇન ચીફ અને

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર શ્રી અજય ઉમટનો અહેવાલ.. સાભાર)

(2:58 pm IST)