Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

જીએસટી ઘટાડવા કંપનીએ માંગણી કરી

પારલેને મંદીનો મારઃ ૧૦,૦૦૦ કર્મચારીઓને ઘરે બેસાડવાની નોબતઃ જીએસટી બાદ વેંચાણ ઘટી ગયું

કંપનીમાં ૧ લાખ કર્મચારી કામ કરે છેઃ ૧૦ પ્લાન્ટ ધરાવે છે કંપની

મુંબઈ, તા. ૨૧ :. પારલે-જી, મોનેકો અને મેરી બિસ્કીટ બનાવતી દેશની સૌથી મોટી બિસ્કીટ કંપની પારલે પ્રોડકટસે જણાવ્યુ છે કે જો માંગમાં નરમાઈની વર્તમાન પરિસ્થિતિ જળવાઈ રહેશે તો તે ૮,૦૦૦ - ૧૦,૦૦૦ કર્મચારીને છૂટા કરી શકે છે.

'પ્રતિ કિલો રૂ. ૧૦૦ કે તેનાથી ઓછામાં વેચાતી બિસ્કીટ પર લાગતો જીએસટી ઘટાડવાની અમે માંગણી કરી છે, આ ઘટાડો રૂ. ૫ કે તેનાથી ઓછી કિંમતે વેચાતા પેકેટ માટે માંગ્યો છે, જો સરકાર આ રાહત નહીં આપે તો, પછી ફેકટરીઓમાં કામ કરતા અમારા ૮,૦૦૦ - ૧૦,૦૦૦ લોકોને કાઢવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહીં બચે કારણ કે, વેચાણમાં નરમાઈને કારણે અમારા પર ગંભીર અસર પડી રહી છે' એમ પારલે પ્રોડકટસના કેટેગરી હેડ મયંક શાહે કહ્યુ હતું.

રૂ. ૧૦,૦૦૦ કરોડથી પણ વધારે વેચાણ કરતી પારલે ૧૦ પ્લાન્ટસની માલિકી ધરાવે છે અને ૧ લાખ લોકોને રોજગારી આપે છે. તે ૧૨૫ થર્ડ પાર્ટી મેન્યુફેકચરીંગ ફેસિલીટી પણ ધરાવે છે. પારલેનું ૫૦ ટકાથી પણ વધારે વેચાણ ગ્રામ્ય બજારોમાં થાય છે.

અગાઉના ટેકસ માળખા હેઠળ પ્રતિ કિલો રૂ. ૧૦૦થી નીચેની કિંમતની બિસ્કીટ પર ૧૨ ટકા ટેકસ લાગતો હતો. કંપનીઓને અપેક્ષા હતી કે પ્રીમિયમ બિસ્કીટ પર ૧૨ ટકા ટેકસ લગાડવામાં આવશે અને ઓછી કિંમતની બિસ્કીટ પર પાંચ ટકા ટેકસ લાગશે. પરંતુ સરકારે જીએસટી હેઠળ તમામ બિસ્કીટને ૧૮ ટકા ટેકસ સ્લેબમાં મુકી હતી, જેના કારણે કંપનીઓને ભાવમાં વધારો કરવાની ફરજ પડી હતી, જેની અસર વેચાણ પર પડી હતી. પારલેએ પણ કિંમતમાં પાંચ ટકા જેટલો વધારો કર્યો હતો. જેના કારણે વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો એમ શાહે જણાવ્યુ હતું.

બિસ્કીટ અને ડેરી પ્રોડકટસ બનાવતી અન્ય એક અગ્રણી કંપની બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝના એમડી વરૂણ બેરીએ ગયા સપ્તાહે જણાવ્યુ હતુ કે ગ્રાહકો પાંચ રૂપિયામાં વેચાતુ બિસ્કીટનું પેકેટ ખરીદવાનું પણ ટાળી રહ્યા છે. અર્નિંગ્સ કોન્ફરન્સ કોલ બાદ બેરીએ જણાવ્યુ હતુ કે ગ્રાહકો પાંચ રૂપિયાનું પેકેટ ખરીદતા પહેલા પણ બે વખત વિચારી રહ્યા છે, જે અર્થતંત્રની ગંભીર સ્થિતિના સંકેત આપે છે. આપણું અર્થતંત્ર માત્ર ૬ ટકા વધ્યુ છે અને માર્કેટની વૃદ્ધિ તો તેનાથી પણ ઓછી છે એમ બેરીએ જણાવ્યુ હતુ. નસ્લી વાડિયાની આ કંપનીએ જૂન ૨૦૧૯ કવાર્ટરમાં રૂ. ૨૪૯ કરોડનો નેટ પ્રોફિટ કર્યો હતો, જે વાર્ષિક ધોરણે ૩.૫ ટકા ઓછો હતો.

પારલે પ્રોડકટસના મયંક શાહે ઉમેર્યુ હતુ કે, 'છેલ્લા બે કવાર્ટર્સથી માંગ ઘટવાને કારણે ગંભીર અસર પડી છે. બિસ્કીટ પર જીએસટી (ગુડઝ એન્ડ સર્વિર્સિસ ટેકસ) વધવાને કારણે માંગ ઘટી છે અને સરકાર તરફથી પુરતી રાહત નહી મળવાને કારણે સ્થિતિ વણસી છે. જો સરકારે માંગમાં વધારો લાવવો હશે તો જીએસટી ઘટાડવો પડશે.'

(11:54 am IST)