Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

રાજસ્થાનમાં ટેકસટાઇલ ઉદ્યોગ સંકટમાં

અર્ધો ડઝન યુનિટ બંધ થવા પરઃ ર૦ હજાર રોજમદાર કર્મચારીઓ થયા છુટ્ટા

જયપુર તા.ર૧ : રાજસ્થાન સરકારને સૌથી વધુ આવક કરતો ટેકસટાઇલ ઉદ્યોગ હાલ સૌથી કપરા દિવસોમાંથી પસાર થઇ રહ્યો છે. અર્ધો ડઝન મોટા ટેસકટાઇલ યુનિટ બંધ થવાની તૈયારીમાં છે. અત્યાર સુધીમાં વીસેક હજાર હંગામી કર્મચારીઓએ નોકરી ગુમાવ્યાની ચર્ચા છે.

રાજસ્થાનના ટેકસટાઇલ ઉદ્યોગને મંદીના ખપ્પરમાં હોમાયા તે માટે રાજય અને કેન્દ્ર સરકારના ટેકસ અને લેવીના કારણે કાચો માલ મોંઘો થયો તે મુખ્ય છે આ ઉપરાંત ઉદ્યોગોને ધિરાણો મોંઘા મળી રહ્યા છે. હાલ મીલોને પ્રતિ કીલો ર૦ થી રપ રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે.

આ ઉપરાંત બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇન્ડોનેશીયાથી સસ્તો માલ ઇમ્પોર્ટ થાય તે પણ આ ઉદ્યોગને નુકસાન પહોંચાડી રહ્યા છે.

આ ઉપરાંત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝની મંદિ માટે અન્ય રાજયોનું તુલનાએ રાજસ્થાનમાં વીજળીના દરો સૌથી વધુ હોવાનું પણ કારણ અપાઇ રહ્યું છે.

રાજસ્થાનનો ટેકસટાઇલ ઉદ્યોગ ગત વર્ષથી ૩પ ટકા એકસપોર્ટ ઘટયું છે. ગત એપ્રિલથી જુન માસ દરમ્યાન જે માલ એકસપોર્ટ થયો હતો. તેના કરતા આ વર્ષે ૩પ ટકા એકસપોર્ટ ઓછું થયું છે.

રાજસ્થાનમાં આશરે સવાલાખ લોકોને ટેકસટાઇલ ઉદ્યોગ રોજગાર આપે છે. આ ઉપરાંત ખેડુતો પાસેથી પણ મોટા પ્રમાણમાં કપાસ ખરીદી કરે છે. ત્યારે ઉપરોકત બાબતે આ વર્ષે હાલત કફોડી છે.

(11:42 am IST)