Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

આધાર એ સરકારે જાસુસી માટે બિછાવેલી જાળ છે

CIAના પૂર્વ ઓફીસર અને વ્હિસલબ્લોઅર એડવર્ડ સ્નોડેનનો સનસનીખેજ દાવો : જે રીતે આધારને લીંક કરાય છે તેનાથી લોકોની આઝાદીને અસરઃ સરકાર 'સબ સલામત'ના ઢોલ વગાડી લોકોને ગુમરાહ કરે છે

જયપુર તા. ર૧ :.. અમેરિકી જાસુસી સંસ્થા સીઆઇએના ભૂતપૂર્વ અધિકારી એડવર્ડ સ્નોડને ચેતવણી આપતા કહ્યું છે કે આધાર કાર્ડ દ્વારા યુઆઇડીએઆઇ એ ભારતમાં જાસુસી જાળ બિછાવેલ છે. આધાર કાર્ડ ને હંમેશા શંકા દ્રષ્ટિએ જોનાર સ્નોડને કહયું કે ભારતમાં જે રીતે આધાર ને દરેક વસ્તુ સાથે લીંક અપ કરાઇ રહયું છે તેનાથી ભારતીયોની આઝાદી પ્રભાવીત થાય છે.

જયપુરમાં એક કાર્યક્રમમાં વીડીઓ કોન્ફરન્સ દરમ્યાન સ્નોડને કહયું કે આધારનું લીંક અપ દરેક વસ્તુ સાથે કરવું બહુ ખતરનાક છે અને હવે તે એટલી હદે પહોંચ્યું છે કે આધાર નંબર વગર તમે બાળક પેદા ન કરી શકો કે ન બાળકનું જન્મ પ્રમાણ પત્ર મેળવી શકો. તેમણે કડક શબ્દોનો પ્રયોગ કરતા કહ્યું કે સરકારી કામ અથવા સામાજીક લાભની કોઇ યોજના જે સરકાર દ્વારા ચલાવાતી હોય તેના સિવાયના કોઇપણ કામ માટે જો કોઇ કંપની આધાર નંબર માંગે તો તેના પર દંડ લગાડવા જોઇએ. તેમણે વધુમાં ઉમેરતા કહયું કે ફકત દંડ જ નહીં પણ જેલમાં પણ મોકલવા જોઇએ.

સ્નોડને ટીકાઓ સામે યુઆઇડીએઆઇના વલણની પણ ટીકા કરતા કહયું કે આધાર વિષે ઘણા સ્કેન્ડલો બહાર આવ્યા છે અને તેમણે તેનો તાર્કીજ જવાબ આપવો જોઇએ. પોતાની સીસ્ટમને સુરક્ષીત કરવી જોઇએ. તેના બદલે તેઓ કહે છે કે આધારનો વિરોધ ગેરબંધારણીય છે. આ તો પ્રજામાં ખૌફ ફેલાવવા જેવું છે. સરકાર એમ કહે છે કે તમારી અંગતતા, ડેટા સુરક્ષા અને અધિકાર બાબત ચિંતા કરવાની જરૂર નથી. એ જ સૌથી મોટી છેતરપીંડી છે.

(4:19 pm IST)