Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

મોંઘવારી-બેરોજગારી સહિતના મુદે અને મનમોહન સરકાર ગઇતી..આ મુદા મોદી રાજમાં પણ યથાવત

ઇન્ડીયા ટુડે કાર્વીના 'મૂડ ઓફ નેશન'ના પોલમાં મોદીરાજમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેકારી, મહત્વના મુદા :૧૮ ટકા લોકોના મતે ભ્રષ્ટાચાર મહત્વનો મુદોઃ લોકપાલ લાવવાની વાત હવામાં: મોદીએ આ ત્રણ મુદે જાગૃત થવું જરૂરી

નવી દિલ્હી તા. ૨૧ : ઇન્ડીયા ટુડે - કાર્વીના મુડ ઓફ ધ નેશન જુલાઇ ૨૦૧૮ પોલ મુજબ હાલના સમયમાં બેરોજગારી વધતી જતી કિંમતો અને ભ્રષ્ટાચાર સૌથી મહત્વના મુદ્દા છે. ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં આ જ મુદ્દાના કારણે મનમોહનસિંહ સરકારની સત્તા ધડામ થઇ ગઇ હતી. તેમ છતાં મોદી રાજમાં પણ આ ત્રણ મુદ્દા હાવી થતાં નજરે ચડી રહ્યા છે.

મૂડ ઓફ નેશનના જણાવ્યા મુજબ બેરોજગારી આજે પણ સૌથી મોટો મુદ્દો છે. સર્વેમાં ૩૪ ટકા લોકોએ માન્યું કે, બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. આ છેલ્લા સર્વેક્ષણની સરખામણીએ ૫ ટકા વધું છે. મહત્વની વાત એ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત બેરોજગારી અંગે મોદી સરકાર પર સવાલ ઉભા કરી રહ્યા છે.

સર્વેના જણાવ્યા મુજબ કિંમતોમાં વધારો બીજો મોટો મુદ્દો છે. મૂડ ઓફ ધ નેશનના જણાવ્યા મુજબ ૨૪ ટકા લોકો મોંઘવારીને મહત્વનો મુદ્દો માને છે. મનમોહન સરકાર દરમિયાન મોંઘવારી ડાકણ બની ગઇ હતી તેનું પરિણામ હતું કે, લોકોએ ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જગ્યાએ નરેન્દ્ર મોદીને નેતૃત્વવાળી ભાજપની પસંદગી કરી હતી. ભાજપે અચ્છે દિનના નારા આપ્યા હતા. મોદી રાજના સાડા ચાર વર્ષ વીતી ગયા બાદ મોંઘવારી દેશવાસીઓ માટે મહત્વનો મુદ્દો બની ગયો છે.

ભ્રષ્ટાચાર મોદી રાજમાં એક મહત્વનો મુદ્દો બની ગયો છે. સર્વેમાં ૧૮ ટકા લોકોના ણાવ્યા મુજબ ભ્રષ્ટાચાર મહત્વનો મુદ્દો છે. ૨૦૧૪ના લોકસભા ચુંટણીમાં નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારને મહત્વનો મુદ્દો બનાવ્યો હતો. યુપીએ-૨ના કાળમાં ૨જી, કોલસો અને કોમનવેલ્થ ગેમ જેવા અનેક ભ્રષ્ટાચારના મામલા સામે આવ્યા હતા તે જ મુદ્દાને અન્ના હજારે આંદોલન કરીને લોકપાલ બનાવાની માંગ કરી હતી.

નરેન્દ્ર મોદી માટે આ ત્રણ માળખાગત મુદ્દા પર કાર્ય કરીને આગળ વધવું જ પડશે હજુ સરકારના અંદાજે ૮ મહિનાનો સમય બચેલો છે. જો આ ત્રણેયમાં ફેરફાર થશે તો ચુંટણીના પરિણામોમાં પણ ફેરફાર જોવા મળશે.

(4:05 pm IST)