Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

જો આજે ચૂંટણી થાય તો બનશે 'મોદી સરકાર'

જો કે ભાજપને નુકસાન થશે : NDAને ૨૮૧, UPAને ૧૨૨, અન્યોને ૧૪૦ બેઠકો મળે : ભાજપને ૨૪૫ બેઠકો મળે : ગયા વખત કરતાં ૩૭ ઓછી : કોંગ્રેસને ૮૩ મળે : ૨૦૧૪માં હતી ૪૪ બેઠકો : સર્વે

નવી દિલ્હી તા. ૨૧ : દેશમાં હજી આગામી લોકસભાની ચૂંટણી માટે ૮-૯ મહિનાનો સમય બાકી છે, ત્યારે વિવિધ સર્વે સામે આવી રહ્યા છે. જેમાં ફરી એક વખત મોદી સરકાર સત્તામાં આવશે તેવું લાગી રહ્યું છે. જો કે આ વખતે NDAની બેઠક ઘટી શકે છે. એક પ્રાઇવેટ ચેનલ તરફથી ગત મહિને જુલાઇમાં 'મૂડ ઓફ ધ નેશન'ના નામે સર્વે કરવામાં આવ્યો છે. જેમાં જો આજે ચૂંટણી થશે તો NDAને ૨૮૧ બેઠક મળી શકે છે.

અત્રે નોંધનીય છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં માત્ર ભાજપને જ ૨૮૨ બેઠકો મળી હતી. જયારે ૫૪૩ બેઠકોવાળી લોકસભામાં બહુમતી માટે ૨૭૨ બેઠકોની જરૂર છે. આ સર્વે ૧૮ જુલાઇ ૨૦૧૮ થી ૨૯ જુલાઇ ૨૦૧૮ વચ્ચે દેશની ૯૭ લોકસભા બેઠકો પર અને ૧૯૭ વિધાનસભા બેઠકો પર કરવામાં આવ્યો છે. તેમજ ૧૨,૧૦૦ લોકોની વચ્ચે જઇને માહિતી એકત્ર કરવામાં આવી છે.

આ સર્વે અનુસાર જો આજે ચૂંટણી થશે તો NDAને ૨૮૧ બેઠકો મળશે ત્યારે કોંગ્રેસના નેતૃત્વામાં UPAને ૧૨૨ બેઠકો મળવાની શકયતા રહેલી છે. બીજી તરફ અન્ય ખાતામાં ૧૪૦ બેઠકો જઇ શકે છે. વોટ શેરની વાત કરવામાં આવે તો NDAને ૩૬ ટકા મતો મળી શકે છે તો UPAએ ૩૧ ટકા મતથી સંતોષ માળવો પડે છે.

સર્વે અનુસાર ભલે NDA સરકાર સત્તા મેળવશે પરંતુ તેને મોટું નુકસાન પણ થઇ શકે છે. સર્વે અનુસાર જો આજે ચૂંટણી થશે તો ભાજપને ૨૪૫ બેઠકો મળી શકે છે, જે ગત વખત કરતાં ૩૭ ઓછી છે. જો વાત કોંગ્રેસની કરવામાં આવે તો તેને ૮૩ બેઠકો મળી શકે છે, જે ૨૦૧૪ કરતાં લગભગ બમણી બેઠકો છે. કોંગ્રેસને ૨૦૧૪માં માત્ર ૪૪ બેઠકો મળી હતી.

સર્વેમાં લોકોને વડાપ્રધાન તરીકે પહેલી પસંદગી પૂઠવામાં આવી ત્યારે નરેન્દ્ર મોદી આ રેસમાં સૌથી આગળ હતા. તેમને ૪૯ ટકા લોકો ફરી એક વખત વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. જયારે બીજા સ્થાન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છે અને સૌથી ચોંકવાનારું નામ પ્રિયંકા ગાંધીનું છે જેમને ૩ ટકા મત મળ્યા છે.(૨૧.૩)

(11:40 am IST)