Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

દેશના ખેડૂતો લખપતિ બન્યા, પરંતુ એવરેજ જમીનમાં ઘટાડો

ખેડૂતોની વાર્ષિક સરેરાશ આવક ૧.૦૭ લાખ રૂપિયા થઇઃ દેશમાં ખેડૂતો માટે સરેરાશ જમીન પાંચ ટકા ઘટીને ૧.૧ લાખ હેકટરે પહોંચી

નવીદિલ્હી તા.૨૧: દેશના ખેડૂતો હવે લખપતિ બન્યા છે. સહકારી સંસ્થા નાબાર્ડ (NABARD-નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે ખેડૂતોની સરેરાશ વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઉપર પહોંચી ગઇ છે, જોકે બીજી તરફ ખેડૂતો પાસેની એવરેજ ખેતીની જમીનમાં અગાઉના સર્વેની તુલનાએ ઘટાડો થયો છે.

નાબાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વે પ્રમાણે ૨૦૧૫-'૧૬ માં ખેડૂતોને ખેતી, પશુપાલન અને બીજી ખેતી સંલગ્ન પ્રવૃતિને કારણે ખેડૂતોની વાર્ષિક આવક ૧,૦૭,૧૭૨ રૂપિયા થઇ છે. આમ ખેડૂતો લખપતિ બની ગયા છે. આ આવક ૨૦૧૨-'૧૩ના નેશનલ સેમ્પલ સર્વે મુજબ ૭૭,૧૧૨ રૂપિયા પ્રતિ વર્ષ હતી. આમ અગાઉના સર્વેની તુલનાએ આવકમાં માત્ર ૧૨ ટકાનો વધારો થયો છે. દેશમાં ૨૯ રાજયોના કરવામાં આવેલા સર્વેમાંથી ૧૯ રાજયોના ખેડૂતોની આવક દેશની સરેરાશ આવક કરતાં પણ વધારે છે, જયારે ૧૫ રાજયોની આવકનો ગ્રોથ ૧૦.પ ટકાથી ઉપર રહયો છે.

દેશમાં તમામ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની સરેરાશ વાર્ષિક આવક ૯૬,૭૦૮ રૂપિયા રહી છે, જેની તુલનાએ ખેડૂતોની આવક વધારે છે.

આ તરફ નાબાર્ડના જ સર્વે પ્રમાણે ખેડૂતો પાસે રહેલા સરેરાશ જમીન ૧.૧૬ હેકટર હતી, જે ત્રણ વર્ષમાં ઘટીને હવે ૧.૧ હેકટર થઇ ગઇ છે. સર્વે પ્રમાણે દેશમાંથી ત્રીજા ભાગના ખેડૂતો પાસે જમીન એક હેકટરથી પણ ઓછી છે, જયારે ૩૭ ટકા ખેડૂતો પાસે પોતાની માલિકીની કહી શકાય એવી માત્ર ૦.૪ હેકટર જમીન છે. જયારે ૩૦ ટકા ખેડૂતો પાસે એક હેકટર અને ૧૩ ટકા ખેડૂતો પાસે બે હેકટરથી પણ વધુ જમીન છે. આમ મોટા ખેડૂતોની સંખ્યા એકદમ ઓછી છે.

દેશમાં માત્ર પ.ર ટકા ખેડૂતો પાસે જ પોતાનું ટ્રેકટર છે અને ૧.૮ ટકા ખેડૂતો પાસે જ પાવર ટિલર છે. ડ્રિપ ઇરિગેશન અને સ્પિન્કલર માત્ર ૧.૬ ટકા અને ૦.૮ ટકા ખેડૂતો પાસે જ છે.

દેશમાં નાગાલેન્ડમાં ખેડૂતો પાસે સરેરાશ ૨.૧ હેકટર, રાજસ્થાનમાં ૧.૯ હેકટર અને હરિયાણામાં ૧.૭ હેકટર જમીન છે. જયારે સરેરાશ ૦.૫ હેકટર જમીન હોય એવા રાજયમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, સિક્કિમ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે.

નાબાર્ડ દ્વારા કરવામાં આવેલા સર્વેનું એક તારણ એવું પણ નીકળે છે કે સરકાર કૃષિ ગ્રોથની વાતો કરી રહી છે, પરંતુ સરેરાશ ખેડૂતોની આવક છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૨ ટકા જ વધી છે, જેની સામે મોંઘવારીનો દર સરેરાશ સાતથી આઠ ટકાનો રહયો છે. સરકાર દ્વારા ૨૦૨૦માં ખેડૂતોની આવક બમણી કરવાની વાત છે, પરંતુ જો આ આવક પ્રમાણે બમણી થાય તો માત્ર બે લાખ ઉપરની વાર્ષિક આવક થશે, જેની તુલનાએ બીજા વર્ગની આવકમાં વધારે વધારો થઇ રહયો છે. સરકારી કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થઇ રહયો છે, જેની તુલનાએ ખેતીની આવકમાં ખાસ કોઇ વધારો નથી થયો.(૧.૪)

(11:39 am IST)