Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કમ્પાલામા ફાટી નીકળેલા તોફાનોથી ગુજરાતીઓના જીવ પડીકે બંધાયા

યુગાન્ડાના લોકપ્રિય સિંગર અને સંસદ સભ્ય 'બોબી વાઇન'ની ધરપકડ બાદઃ કમ્પાલાથી વાત કરતા યુગાન્ડા ઇન્ડિયન સોસાયટીના સભ્ય ચિરાગ દવેએ કહ્યું કે 'હાલમાં પરિસ્થિતિ શાંત છે, ભારતીયોને કોઇ નુકસાન થયુ નથી'

રાજકોટ :.. યુગાન્ડામાં લોકપ્રીય સિંગર અને મ્યુઝિશીયન એવા અપક્ષ સાંસદ બોબી વાઇનની ગત સપ્તાહમાં ધરપકડ બાદ યુગાન્ડાના પાટનગર કમ્પાલામાં બોબી વાઇનના સમર્થકોએ દેખાવો શરૂ કરતા સરકારે આ દેખાવો દેવા બળ પ્રયોગ શરૂ કર્યો છે. જેના કારણે કમ્પાલા શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે માત્રામાં તોફાનો થતાં ત્યાં રહેતા ભારતીય પરિવારોના જીવ પડીકે બંધાયા છે.

મુળ વડોદરાના અને કમ્પાલામાં સ્ટેશનરીનો બિઝનેસ કરતા ઉદય ત્રિવેદીએ કમ્પાલાથી વાત કરતા કહ્યું હતું કે સવારે નિયત સમય પ્રમાણે સવારે ૭.૩૦ વાગ્યે મે દુકાન ખોલી હતી. ૧૧ વાગ્યા સુધી બધુ ઠીક હતું પરંતુ તે બાદ હિંસા ફાટી નિકળતા હું અને મારી સાથે અન્ય ત્રણ ગુજરાતીઓ મળીને ચાર જણ દુકાનમાં ફસાઇ ગયા હતા અમે પોલીસ પાસે મદદ માગતા પોલીસે અમને અમારા ઘર સુધી પહોંચાડયા હતાં. જો કે તોફાનોની અસર માત્ર કમ્પાલાના મધ્ય વિસ્તારમાં જ છે. કમ્પાલામાં વડોદરાના આશરે ૧૦૦થી વધુ પરિવાર રહે છે. અન્ય ગુજરાતીઓ પણ સારી એવી સંખ્યામાં છે.

યુગાન્ડામાં ઇન્ડીયન સોસાયટીના ચેરમેન પદેથી તાજેતરમાં જ નિવૃત થયેલા ચિરાગ દવેએ કહ્યું હતું કે 'હાલમાં પરિસ્થિતિ શાંત છે. ગુજરાતીઓ કે ભારતીયોને કોઇ નુકસાન થયું નથી. સરકાર અસરકારક પગલા લઇ રહી છે. તેમ પ્રસિધ્ધ થયું છે.' (પ-૧૦)

(11:41 am IST)