Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

એર લાઇન્સોએ બેંગ્લોર-અમદાવાદના પ૦ થી ૬૦ હજાર રૂપિયા ભાડુ ખંખેર્યું

કેરળના ગુજરાતી પૂરગ્રસ્તોને પણ ના મૂકયા... મદદરૂપ થવાનું બાજુએ રહ્યું: આવા કપરા સમયે પણ નફો છોડયો નહિ

રાજકોટ : કેરળના વિનાશક પુરમાં કોચી ખાતે ફસાયેલા વડોદરાના બે વિદ્યાર્થીઓનું રેસ્કયુ કરીને બચાવી તો લેવાયા પરંતુ બેંગ્લોરથી વડોદરા પહોંચવાનું તેઓ માટે એટલુ જ અઘરૃં થઇ ગયુ જેટલુ અઘરૂ પુરમાંથી બહાર નિકળવાનું હતું કેમ કે પુરમાં ફસાયેલા લાચાર લોકોની પરિસ્થિતિનો  ગેરલાભ લઇને એર લાઇન્સોએ ટીકીટ ભાડામાં ૭૦૦ થી ૮૦૦ ટકાનો  વધારો કરી દીધો છે. કેરળના પુરગ્રસ્તોની મદદ કરવાને બદલે લૂંટ ચલાવનાર એર ઓપરેટરો સામે દેશભરમાંથી રોષ જોવા મળી રહ્યો છે.

કેરળની ખાનગી ઇન્સ્ટિટયુટમાં અભ્યાસ માટે કોચીમાં રહેતા વડોદરાના બે વિદ્યાર્થીઓ ભૌમિક રાજ (ઉ.૧૮) અને પરિક્ષિત પંડયા (ઉ.૧૮) પુરમાં ફસાયા હતા તેઓ કોચીની એક બહુમાળી ઇમારતમાં રહેતા હતાં. વિદ્યાર્થીઓએ પાંચ દિવસ ભૂખ્યા તરસ્યા  વિતાવ્યા બાદ રેસકયુ ટીમ પહોંચી હતી અને શનિવારે સાંજે બન્નેને બચાવી લેવાયા હતાં.

રવિવારે બન્ને વિદ્યાર્થીઓ બેંગ્લોર પહોંચ્યા હતા અને ત્યાંથી ફલાઇટ પકડીને વડોદરા પહોંચવાની ઉતાવળ હતી પરંતુ તેઓ ત્યાં પણ અટવાઇ ગયા હતાં. આ અંગે વાત કરતા પરિક્ષિતના કાકા જિજ્ઞેશ પંડયાએ કહ્યું હતું કે બેંગ્લોરથી મુંબઇ થઇને અમદાવાદનું  વન વે ભાડુ  સામાન્ય રીતે સાત થી આઠ હજાર હોય છે. તેના બદલે રવિવારે સાંજે અને સોમવાર સવારની ફલાઇટની તપાસ કરતા એરલાઇન્સ પ૦ થી ૬૦ હજાર રૂપિયા ભાડુ માગી રહી હતી. અમે વડોદરાથી પણ એજન્ટ મારફતે તપાસ કરી તો અહી પણ એ જ ભાડુ હતું એટલે સૌથી સસ્તી બેંગ્લોરથી મુંબઇ અને ત્યાંથી અમદાવાદની સોમવારની સાંજની ફલાઇટ માટે એક ટિકીટના રૂા. રર,૦૦૦ નું ભાડુ આપીને બુક કરી અને ત્યારે બન્ને વિદ્યાર્થીઓ મોડી રાત્રે વડોદરા પહોંચ્યા હતાં.

(11:34 am IST)