Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

શ્રાવણ મહિનામાં વિદેશમાં પણ શિવજીની આરાધના કરતા શિવભક્તોઃ પાકિસ્તાનના ચક્રવલ ગામથી ૪૦ કિ.મી. દૂર કટાસરાજ મંદિરનો કટાસકુંડ ભગવાન શિવના આંસુથી બનેલો હોવાની માન્યતા

નવી દિલ્હીઃ શ્રાવણ મહિનામાં ભોળાનાથના દરેક મંદિરમાં ભક્તોની ભીડ જામે છે. ભક્તો શિવજીને રીઝવવા દરેક પૂજા-અચર્ના કરે છે. આપણા દેશમાં શિવજીના અસંખ્ય મંદિરો આવેલા છે. તમામ શિવ મંદિરોમાં 12 જ્યોર્તિલિંગનું મહત્વ સૌથી વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે દેશની જેમ વિદેશમાં પણ ભગવાન શંકરના ભવ્ય મંદિરો આવેલા છે.

શિવા હિન્દુ મંદિર-જુઇદોસ્ત, અેમ્સ્ટર્ડ

અહીં આવેલું શિવજીનું મંદિર લગભગ 4,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે. આ મંદિરના દ્વાર 2011માં ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ મંદિરમાં શિવજીની સાથે ભગવાન ગણેશ, દેવી દુર્ગા, ભગવાન હનુમાનની પણ પૂજા કરવામાં આવે છે. અહીં ભગવાન શિવ પંચમુખી શિવલિંગના સ્વરૂપે છે.

અરૂલ્મિગુ શ્રીરાજા કલિઅમ્મન મંદિર, જોહોર બરૂ, મલેશિયા

આ મંદિરનું નિર્માણ વર્ષ 1922ની આસપાસ થયું હતું. આ મંદિર જોહોર બરુના સૌથી જૂના મંદિરો પૈકીનું એક છે. જે ધરતી પર આ મંદિરનું નિર્માણ થયું છે તે જોહોર બરુના સુલતાને ભારતીયોને ભેટ આપી હતી. થોડા સમય પહેલા સુધી આ મંદિર નાનું હતું પરંતુ હવે ભવ્ય મંદિર બનાવાયું છે.

મુન્નેસ્વરમ મંદિર-મુન્નેસ્વરમ, શ્રીલંકા

આ મંદિરનો ઈતિહાસને રામાયણ કાળ સાથે જોડાયેલો છે. માન્યતા પ્રમાણે, રાવણનો વધ કર્યા બાદ શ્રીરામે આ જ સ્થળે ભગવાન શિવની આરાધના કરી હતી. આ મંદિરના પરિસરમાં પાંચ મંદિર છે. જેમાંથી સૌથી મોટું અને સુંદર મંદિર ભોળાનાથનું છે.

કટાસરાજ મંદિર-ચકવાલ, પાકિસ્તાન

કટાસરાજ મંદિર પાકિસ્તાનના ચકવાલ ગામથી લગભગ 40 કિલોમીટર દૂર કટસમાં એક પહાડ ઉપર છે. કહેવાય છે આ મંદિર મહાભારત કાળ (ત્રેતાયુગ)માં પણ હતું. આ મંદિર સાથે જોડાયેલી પાંડવોની કથા જાણીતી છે. માન્યતા અનુસાર કટાસરાજ મંદિરનો કટાક્ષ કુંડ ભગવાન શિવના આંસુઓથી બનેલો છે.

શિવા-વિષ્‍ણુ મંદિર-મેલબર્ન, ઓસ્‍ટ્રેલિયા

ભગવાન શિવ અને વિષ્ણુને સમર્પિત આ મંદિરનું નિર્માણ લગભગ 1987ની આસપાસ થયું હતું. આ મંદિરનું ઉદ્ઘાટનમાં કાંચીપુરમ અને શ્રીલંકાના 10 પૂજારીઓએ પૂજા કરીને કર્યું હતું. આ મંદિરની વાસ્તુકળા હિન્દુ અને ઓસ્ટ્રેલિયાઈ પરંપરાઓનું સારું ઉદાહરણ છે.

પશુપતિનાથ મંદિર-કાઠમાંડુ, નેપાળ

પશુપતિનાથનો મતલબ થાય છે સંસારના સમસ્ત જીવોના ભગવાન. માન્યતા પ્રમાણે, આ મંદિરનું નિર્માણ લગભગ 11મી સદીમાં થયું હતું. ઉધઈના કારણે આ મંદિરનું ખાસ્સું નુકસાન થયું, જેના કારણે 17મી સદીમાં આ મંદિરનું પુનઃનિર્માણ થયું. મંદિરમાં ભગવાન શિવની 4 મુખવાળી મૂર્તિ છે. આ મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ સુધી પહોંચવા માટે 4 દરવાજા પણ છે. ચારેય દરવાજા ચાંદીના છે. આ મંદિર હિંદુ અને નેપાળી વાસ્તુકલાનું સારું મિશ્રણ છે.

શિવ વિષ્‍ણુ મંદિર-લિવેરમોરે, કેલિફોર્નિયા

આ મંદિર આ ક્ષેત્રનું સૌથી મોટું હિંદુ મંદિર ગણાય છે. વાસ્તુકળાની દૃષ્ટિએ આ મંદિર ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની કળાનું સુંદર મિશ્રણ છે. મંદિરમાં ભગવાન શિવની સાથે સાથે ગણેશ, દેવી દુર્ગા, ભગવાન અય્યપા, દેવી લક્ષ્મી વગેરેની પૂજા કરવામાં આવે છે. મંદિરની મોટાભાગની મૂર્તિઓ 1985માં તમિલનાડુ સરકાર દ્વારા દાનમાં આપવામાં આવી છે.

(12:00 am IST)