Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ન્‍યૂઝીલેન્ડના મહિલા વિકાસ મંત્રી જુલીને પ્રસુતીની પીડા થતા હોસ્પિટલે સાયકલ લઇને પહોંચ્યાઃ નવજાત બાળકનું ધ્યાન રાખવા સંસદીય કામકાજમાંથી ૩ મહિના અને મંત્રાલયના કાર્યમાંથી ૬ અઠવાડિયાની રજા લેશે

ન્‍યૂઝીલેન્ડઃ આપણા દેશમાં જ્યારે પણ કોઈ મંત્રીનો કાફલો પસાર થાય છે ત્યારે રસ્તા ખાલી કરાવી દેવાય છે. રાજનેતા અને મંત્રીઓના VVIP કલ્ચર પર હંમેશા સવાલો ઉઠતા રહ્યા છે. પરંતુ ન્યૂઝીલેન્ડના આ મંત્રીએ જે કર્યું તે વાંચી સુખદ આશ્ચર્ય થશે. ન્યૂઝીલેન્ડના મહિલા વિકાસ મંત્રી પ્રેગ્નેન્ટ હતા. તેમને લેબર પેઈન થયું. રસ્તા પર ભીડ હતી પરંતુ લોકોને પરેશાની ન થાય તે માટે તેઓ હોસ્પિટલ સાઈકલ લઈને પહોંચી ગયા. મંત્રીએ જુલીએ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે.

ઘટના રવિવારની છે. જૂલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને આ અંગે જાણ કરી હતી. જૂલીએ લખ્યું તે, “સાઈકલ દ્વારા હોસ્પિટલ જવા માટે રવિવાર ખૂબસુરત દિવસ છે.” ગ્રીન પાર્ટીના આ મહિલા સાંસદે પતિ અને સાઈકલ સાથે તસવીર શેર કરી.

જૂલીએ લખ્યું કે, “અમે ઓકલેન્ડ સિટી હોસ્પિટલ સાઈકલ મારફતે પહોંચ્યા કારણકે રસ્તા પર અમારી કાર અને સપોર્ટ ક્રૂ માટે જગ્યા નહોતી. આ યાત્રાએ મારો મૂડ બનાવી દીધો.”

જૂલીએ ફેબ્રુઆરી મહિનામાં ફેસબુક પર પોતાની પ્રેગ્નેન્સીનું એલાન કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, “મારે અને પીટરને હવે સાઈકલ પર વધુ એક સીટની જરૂર પડશે.” રસપ્રદ વાત એ છે કે મહિલા વિકાસ મંત્રી હોવાની સાથે જૂલી અસોસિએટ ટ્રાંસપોર્ટ મિનિસ્ટર પણ છે. એટલે તેમણે ધાર્યું હોત તો મિનિટોમાં રોડ ખાલી કરાવી શકી હોત.

જૂલીએ જાહેરાત કરી છે કે, તે પોતાની નવજાત બાળકીનું ધ્યાન રાખવા માટે સંસદીય કામકાજમાંથી 3 મહિનાની રજા લેશે. જ્યારે મંત્રાલયના કાર્યોમાંથી 6 અઠવાડિયાની રજા લેશે.

જણાવી દઈએ કે બે મહિના પહેલાં જ ન્યૂઝીલેન્ડનાં પ્રધાનમંત્રી જૈકિંડા અર્ર્ડને પણ દીકરીને જન્મ આપ્યો છે.

(5:45 pm IST)