Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ઝારખંડ : કાળા જાદુની શંકામાં ચારની ઘાતકી હત્યાથી ચકચાર

ઘરમાંથી બહાર કાઢી ગળુ કાપીને હત્યા કરાઈ : નિર્દયરીતે માર માર્યા બાદ ગામની બહાર લઇ જઇ હત્યા

ગુમલા, તા. ૨૧ : ઝારખંડના ગુમલા જિલ્લામાં મોબલિંચિંગનો વધુ એક મામલો સપાટી ઉપર આવ્યો છે. એમ માનવામાં આવે છે કે, ગુમલામાં કાળા જાદુની શંકામાં ચાર લોકોની જોરદારરીતે ધોલાઈ કરવામાં આવી હતી ત્યારબાદ ગળુ કાપીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા ખળભળાટ મચી ગયો છે. મળેલી માહિતી મુજબ ગઇકાલે મોડીરાત્રે ૧૦થી ૧૨ લોકોએ ચાર પીડિતોને તેમના ઘરમાંથી કાઢ્યા હતા અને જોરદાર ધોલાઈ કરી હતી. ત્યારબાદ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. ગુમલાના એસપી અંજનીકુમાર ઝાએ કહ્યું છે કે, પ્રાથમિક તપાસથી એવું લાગે છે કે, પીડિત લોકો જાદુ કરતા હતા. અંધવિશ્વાસ અને કાળા જાદુ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. અંધવિશ્વાસમાં આવીને હુમલાખોરોએ પણ આ હત્યાકાંડને અંજામ આપ્યો છે. મામલાની તપાસ ચાલી રહી છે. સુત્રોએ કહ્યું છે કે, ચાર લોકોની હત્યા કરતા પહેલા જન અદાલત પણ લગાવવામાં આવી હતી જેમાં તેમના ઉપર અંધવિશ્વાસ અને જાદુ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસે તમામના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. જે લોકોની હત્યા કરવામાં આવી છે તેમાં ૬૦ વર્ષીય ચાંપાપુરાવ, તેમના પત્નિ પીરાપુરાઈન અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. ઘટનાને અંજામ આપનાર લોકો ગામ છોડીને ફરાર થઇ ગયા છે. તપાસ કરવામાં આવતા તેમના ઘરમાં તાળા જોવા મળ્યા હતા. ગ્રામપ્રધાનની પુછપરછ ચાલી રહી છે જ્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ ધારદાર હથિયારો સાથે સજ્જ લોકોએ ત્રણ ઘરના દરવાજા ખોલાવીને ચાર લોકોને પોતાના કબજામાં લઇ લીધા હતા. ત્યારબાદ તમામને બહારથી લોક કરી દેવામાં આવ્યા હતા. ગામના કિનારે લઇ જવામાં આવ્યા બાદ ચારે લોકોની ધોલાઈ કરવામાં આવી હતી અને છેલ્લે હત્યા કરી દેવામાં આવી હતી.

(7:54 pm IST)