Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

કર્ણાટક : કાલે કુમારસ્વામી વિશ્વાસમત મેળવે તેવા સંકેત

રાજકીય સંકટ વચ્ચે ભાજપના સભ્યો સાવધાન : કુમારસ્વામીની ખુરશી બચશે કે કેમ તેને લઇ ફેંસલો થશે ૧૫ અસંતુષ્ટ ધારાસભ્યોની ભૂમિકા ઉપર તમામની નજર

બેંગ્લોર, તા. ૨૧ : કર્ણાટકમાં ભાજપના નેતાઓ હાલમાં ખુશખુશાલ દેખાઇ રહ્યા છે પરંતુ કટોકટીને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી છે. લાંબાગાળા બાદ વિધાનસભામાં વિશ્વાસમત બાદ ભાજપને સરકાર બનાવવાની તક મળી શકે છે. સરકાર બનાવવાને લઇને ભાજપના વરિષ્ઠ નેતા યેદીયુરપ્પાના નેતૃત્વમાં વાતચીત પણ શરૂ થઇ ચુકી છે. સરકાર બનાવવાની કવાયત શરૂ થતાં જ ભાજપના કેટલાક નેતા ટેન્શનમાં આવી ગયા છે. બીજી બાજુ અસંતુષ્ટ ધારાસભ્યોની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઈ છે. આવતીકાલે સોમવારના દિવસે મુખ્યમંત્રી કુમારસ્વામી વિશ્વાસમત હાંસલ કરશે. તેમની ખુરશી રહેશે કે કેમ તે અંગે નિર્ણય થઇ શકે છે. ૧૫ કોંગ્રેસી-જેડીએસ ધારાસભ્યોની ભૂમિકાને લઇને સસ્પેન્સની સ્થિતિ છે. આ ધારાસભ્યોને ભગવા કેમ્પમાં સામેલ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમને સરકારમાં સામેલ કરવાની ફરજ પણ પડી શકે છે જે ભાજપના લોકો માટે પણ ચિંતાજનક બાબત હોઈ શકે છે. બીજી બાજુ ભાજપના કેટલાક નેતાઓનો દાવો છે કે, ભાજપની સરકાર બનવાની સ્થિતિમાં ૧૫ અસંતુષ્ટો પૈકી એક અથવા બેને કેબિનેટમાં સામેલ કરાશે. કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ડ્રામાનો દોર જારી છે. શુક્રવારના દિવસે સતત બીજા દિવસે વિશ્વાસમત વગર જ કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી હતી અને મામલો સોમવાર સુધી એટલે કે આવતીકાલ પર છોડી દેવામાં આવ્યો હતો.  શુક્રવારે સતત બીજા દિવસે પણ બહુમત પરીક્ષણ માટે મતદાન થયું ન હતું. કર્ણાટક વિધાનસભાના સત્રને હવે ૨૨મી જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. વિશ્વાસમત માટે હવે સોમવારના દિવસે મતદાન થશે. ગુરુવારના દિવસે વિશ્વાસમત પરીક્ષણ વગર સ્પીકર રમેશકુમારે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. આનો વિરોધ કરીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી.

(7:51 pm IST)