Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

બિહારમાં બાલિકાગૃહની ૨૯ છોકરીઓ સાથે દુષ્કર્મ : એક કન્યાની હત્યા કરાઇ

મુઝફફરપુર તા. ૨૧ : બિહારના મુઝફફરપુર સ્થિત બાલિકાગૃહમાં રહેતી કન્યાઓનું યૌન શોષણ થયા હોવાના કેસમાં નવી નવી સ્પષ્ટતાઓ સામે આવી રહી છે. યૌન શોષણનો કેસ સામે આવ્યા બાદ બાલિકા ગૃહમાં રહેતી કન્યાઓની પટણાના પીએમસીએચમાં તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ રીપોર્ટમાં ૨૯ કન્યા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વાતને સમર્થન મળ્યું હતું. તેમાં સાત વર્ષની કન્યાનો પણ સમાવેશ થાય છે. આ પ્રકરણમાં નવી સ્પષ્ટતા થઈ છે કે એક કન્યાની હત્યા કરીને દફન કરી દેવાઈ છે. એક કન્યાએ પોતાના નિવેદનમાં આ સ્પષ્ટતા કરી છે. પોલીસ હવે આ નિવેદન પછી હત્યાની તપાસ કરી રહી છે.

ઘટના બહાર આવ્યા પછી પોલીસ વહીવટીતંત્રે આંચકો અમનુભવ્યો છે. રિમાન્ડ હોમ ચલાવનારા સામે કડક કાર્યવાહી કરવા માગણી થઈ રહી છે. વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે એનજીઓ માલિકને મુખ્યપ્રધાન નીતીશકુમાર સાથે સંબંધ છે. ઉલ્લેખનીય છે કે તાતા ઇનસ્ટીટયુટ ઓફ સોસિયલ સાયન્સના તપાસ અહેવાલમાં બાલિકા ગૃહમાં યૌન શોષણની હકીકત સામે આવી હતી. આ અહેવાલ આધારે બાલિકા ગૃહનું સંચાલન કરી રહેલી એનજીઓ સેવા સંકલ્પ અને વિકાસ સમિતિના પદાધિકારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. (૨૧.૫)

(11:58 am IST)