Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

પીએમ મોદીના 'ઇમોશનલ' કાર્ડથી કોંગ્રેસના ડબ્બાડુલ

મોદીના અંદાજ અને રણનીતિથી એવું લાગે છે કે, ૨૦૧૯ના ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીની સામે કોંગ્રેસના જુના કારનામામાંથી બહાર આવવાનો મોટો પડકાર હશે

નવી દિલ્હી તા. ૨૧ : મોદી સરકાર વિરુદ્ઘ પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ પડવાનું નક્કી માનવાામાં આવી રહ્યું હતું અને એવું જ થયું. આ ચર્ચા દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈમોશનલ કાર્ડે માત્ર કોંગ્રેસને જ અસહજ નહી, પરંતુ તેમના નેતાઓની ચિંતા પહેલા કરતા પણ વધારી દીધી છે. તેમના અંદાજ અને રણનીતિથી એવું લાગે છે કે, ૨૦૧૯ના ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીની સામે કોંગ્રેસના જુના કારનામામાંથી બહાર આવવાનો મોટો પડકાર હશે. જે પ્રકારે કોંગ્રેસ ઈમરજન્સીના મુદ્દા પર ડિફેંસિવ થઈ જાય છે. તેજ રીતે કેટલાએ મોટા નેતાઓને કોગ્રેસ દ્વારા કિનારા પર કરી દેવાના મુદ્દે પણ બીજેપી તેને ઘેરશે. આનો સંકેત ખુદ પીએમએ આપી દીધો છે.

પ્રધાનમંત્રીએ પોતાના ગરીબીને હથીયાર બનાવી કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, 'અમે કોણ છીએ જે તમારી આંખમાં આંખ નાખી શકીએ, અમે ગરીબ મા ના દીકરા છીએ, ગામમાં મોટા થયા. ઈતિહાસ સાક્ષી છે કે જયારે સુક્ષાષ ચંદ્ર બોઝ, જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, પ્રણવ મુખરજીએ આંખમાં આંખ નાખવાની કોશિસ કરી તો તેમનું શું થયું. અમે કેવી રીતે આંખ મીલાવી શકીએ છીએ'.

મોદી કોંગ્રેસના કારનામા ગણાવવામાં અહીં જ નહોતા બંધ થયા, તેમણે કહ્યું કે, 'આંખમાં આંક નાખનાર મોરારજી દેસાઈ, ચૌધરી ચરણ સિંહ, પટેલ, પ્રણવ મુખરજી અને શરદ પવાર સાથે શું થયું તે હું જાણુ છું. અમે તો કામદાર છીએ ભલા નામદારની આંખમાં આંખ કેવી રીતે મીલાવી શકીએ. આંબેડકરની મજાક ઉડાવનારા આજે તેમના ગીત ગાઈ રહ્યા છે'.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જે ભાગીદાર હોવાનો આરોપ લગાવ્યો, તે ભાગીદાર શબ્દને તેમણે પોતાની માટે સકારાત્મક બનાવી દીધો. કહ્યું કે, 'હું ગર્વ સાથે કહું છું કે, અમે ચોકીદાર, ભાગીદાર છીએ પણ અમે તમારી જેમ ઠેકેદાર કે સોદાગર નથી. અમે દેશના મજદૂરના દુખના ભાગીદાર છીએ, ખેડૂતોની પીડાના ભાગીદાર છીએ અને અમને તેના પર ગર્વ છે'.

મોદીએ કોંગ્રેસ સાથે રહેનારા અન્ય રાજકીય પક્ષો પર પણ કટાક્ષ કર્યો. 'કોંગ્રેસ પાર્ટી જમીનથી હવે જોડાયેલી નથી. તે તો ડૂબ્યા છે, તેમની સાથે જવાવાળા પણ ડૂબશે. હમ તો ડુબે હે સનમ તુમે ભી લે ડૂબેંગે'.

મોદીએ કહ્યું કે, 'આ લોકો દેશના કમજોર, વંચિત, દલિતોને બ્લેકમેઈલ કરીને ચૂંટણી જીતતા રહ્યા, ચૂંટણી જીતવા માટે ખેડૂતોનો ઉપયોગ કરે છે. દેશને હિંસામાં ધકેલવાનું ષડયંત્ર થાય છે. ચૂંટણી જીતવા માટે શોર્ટકટ શોધે છે. અનામતને લઈ જૂઠાણું ફેલાવે છે. ૩૫૬નો સૌથી વધારે ઉપયોગ કરનારા આજે અમને લોકતંત્ર શીખવાડી રહ્યા છે'.

પીએમના નિવેદનથી લાગે છે કે, સર્જિકલ સ્ટ્રાઈકનો મુદ્દો ૨૦૧૯ની ચૂંટણીમાં ખુબ ઉપયોગમાં લેવાશે. આ મુદ્દે પણ પીએમ મોદીએ કોંગ્રેસ વિરુદ્ઘ ઈમોશનલ હથિયારનો ઉપયોગ કર્યો. કહ્યું કે, 'તમે સર્જિકલ સ્ટ્રાઈકને જુમલા સ્ટ્રાઈક કહ્યું, મને જેટલી ગાળો આપવી હોય તેટલી આપો પરંતુ દેશના જવાનોને ગાળો ના આપો. હું મારી સેનાનું અપમાન સહન નહીં કરૂ. તમે ભારત-પાકિસ્તાનના ભાગલા પાડ્યા. આજે પણ દેશ એજ મુસીબત સહન કરી રહ્યો છે'.

લોકસભામાં પીએમના ભાષણે એ સ્પષ્ટ કર્યું કે, બીજેપી વિકાસથી વધારે ભાવનાત્મક મુદ્દાઓ પર ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડશે. હવે જોવાનું એ રહેશે કે, કોંગ્રેસ આ મુદ્દાઓનો શું તોડ નીકાળે છે.(૨૧.૬)

(11:55 am IST)