Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ગળે મળીને મેળવ્યું : આંખ મારીને ગુમાવ્યું

ભેટી પડયાની ઘટનાની તરફેણ અને વિરોધમાં પત્રકારો અને સોશ્યલ મીડિયામાં ઘણું બોલાઇ તથા લખાઇ રહ્યું છે

નવી દિલ્હી તા. ૨૧ : કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે લોકસભામાં કિસાનોના મુદ્દાથી માંડીને રાફેલ જેટ સોદા સહિત વિવિધ મુદ્દે કેન્દ્ર સરકાર પર શબ્દ પ્રહાર કર્યા પણ એકદમ ધ્યાનાકર્ષક બાબત હોય તો અવિશ્વાસની દરખાસ્ત વેળાએ રાજકીય ખેલાડી હોવાનો પરિચય આપતા હોય એવી અસાધારણ બીનામાં નરેન્દ્ર મોદીને આલિંગન આપ્યું હતું. તેણે ભેટી પડ્યાની ઘટનાની તરફેણ અને વિરોધમાં પત્રકારો અને સોશ્યલ મીડિયામાં ઘણું બોલાઈ તથા લખાઈ રહ્યું છે. ગાંધીએ ૨૦મી જુલાઈએ સરકાર પર દેશની સામે ખોટું બોલવાનો આક્ષેપ કર્યો છે. જુમલાબાજી આરંભી છે. બિનઆરોગ્યપ્રદ, રાજકીય વાદવિવાદ ઊભો કર્યો હતો. ત્યારબાદ અચાનક નરેન્દ્ર મોદીને ભેટી પડ્યા હોવાથી તેમના આ પગલાંની યોગ્યતા અંગે પણ ઉગ્ર ચર્ચાવિચારણા ચાલી હતી. જોકે રાહુલે ગળે મળીને જે મેળવ્યું એ આંખ મારીને ગુમાવ્યું.

૪૮ વર્ષના રાહુલ ગાંધીએ ૨૦ મિનિટ જે વકતવ્ય આપ્યું અને સરકાર પર શબ્દપ્રહાર કર્યા તે બધું જ તેઓ સામે ચાલીને ભેટી પડ્યાની ઘટનામાં સંકેલાઈ ગયું હતું. તેણે પાટલી પર બેઠેલા મોદી સાથે હસ્તધૂનન કર્યું હતું અને નીચે ઝૂકીને ગળે વળગી પડ્યો હતો. આથી શાસક પક્ષ અને વિરોધ પક્ષના ઘણા લોકોને ભારે આશ્ર્ચર્ય થયું હતું.

રાહુલ ગાંધીના આવા વર્તન અને ચેષ્ટાથી મોદી એકદમ હતપ્રભ તથા ચકિત થઈ ગયા હતા. જોકે બાદમાં તેમણે રાહુલ ગાંધીને પાછા બોલાવ્યા, ફરીવાર તેની સાથે હાથ મિલાવ્યા તેમ જ સસ્મિતવદને તેની પીઠ પર હાથ પસવાર્યો હતો. હિન્દુ હોવાનો અર્થ આમ છે, એમ ગાંધીએ જણાવ્યું હતું.

આ સાથે જ શાસક પક્ષને એકદમ હોશિયારીથી સંદેશ આપી દીધોે છે. રાહુલ ગાંધી કયારેક સ્મિત કેલાવતા દેખાતા હતા કે કેટલીક ક્ષણો એકદમ આક્રમક અને ઉગ્ર લાગતા હતા. ગાંધીએ વર્તમાન પાજકીય વાતાવરણનો પડઘો પાડવા લોકસભામાં પોતાના વકતવ્યનો ઉપયોગ કર્યો હતો. ધિક્કાર અને કટુતા રાજકીય ઉપક્રમનો હિસ્સો ન જ હોવા જોઈએ.  ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સભ્યો જોરદાર ઘોંઘાટ અને વિરોધ કરી રહ્યા હતા તે વેળાએ ગાંધીએ કથન આગળ ધપાવતાં કહ્યું કે 'તમને એમ લાગતું હશે કે મારા મનમાં ભાજપ અને મોદી પ્રતિ ખૂબ ઘૃણા તથા ધિક્કાર હશે. પરંતુ સત્ય એ છે કે હું તેમનો આભાર માનું છું. ભાજપ અને મોદીજીને લીધે મને સમજાયું કે ભારતીય હોવાનું તાત્પર્ય શું છે? હિંદુ હોવાનો અર્થ શો છે? શિવભકત હોવાનો અર્થ શો છે? મને કોઈ ધિક્કાર નથી. હું તમારે માટે 'પપ્પુ'હોઈશ પણ હું તમને ચાહું છું તેમ જ માન આપું છું કારણ કે હું કોંગ્રેસ છું.'(૨૧.૫)

(11:49 am IST)