Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અવિશ્વાસ પ્રસ્તાવ પરિવારવાદની હારઃ અમિતભાઇ

 નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે લોકસભામાં નરેન્દ્રભાઇ મોદીની સરકાર વિરૂધ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પડી ભાંગતા  તેને '' પરિવારવાદની હાર''  ગણાવી છે. અમિતભાઇએ ટ્વીટ દ્વારા જણાવ્યું કે ''અવિશ્વાસ પ્રસ્તાવમાં મોદી  સરકારની જીત લોકતંત્રની જીત  અને પરિવારવાદની હાર છે. આજ ફરી પરિવારવાદ, જ્ઞાતિવાદ અને તુષ્ટીકરણની જનક કોંગ્રેસે દેશની જનતા દ્વારા ચુંટાયેલા એક ગરીબ પરિવારમાં જન્મેલ સામાન્ય વ્યકિતના વડાપ્રધાન બનવા પ્રત્યે પોતાની નફરત અને અસ્વીકાર્યતાને પ્રમાણીત કરી છે.

 તેમણે કહયું કે '' પરિવારવાદની રાજનીતીથી ઉપર લોકતંત્રને ધ્યાનમાં રાખી હું મારા બધા સહયોગીઓ, બધા રાજકીય પક્ષો અને દરેક સાંસદોને ભાજપ તરફથી કૃતજ્ઞતા વ્યકત કરૂ છુ. જેમણે નરેન્દ્રભાઇની સરકારમાં પોતાનો વિશ્વાસ દેખાડયો છે. અમિતભાઇએ ટ્વીટમાં વધુમાં જણાવેલ કે  ' જનતાના વિશ્વાસમાં  અવિશ્વાસ દેખાડનાર લોકોના અહંકારની આજે લોકસભામાં જે હાર થઇ છે તે ૨૦૧૯ લોકસભા ચુંટણીના પરિણામોની એક ઝલક માત્ર છે. સબકા સાથ સબકા વિશ્વાસના પોતાના મંત્રની સાથે સેવાર્થ મોદી સરકારમાં સદનમાં સહયોગીઓનો વિશ્વાસની સાથે દેશની જનતાનો પણ પુર્ણ વિશ્વાસ છે.  વધુમાં  અમિતભાઇએ જણાવેલ કે બહુમત વિના અને કોઇ ઉદ્ેશ્ય વગર કોંગ્રેસે સરકાર વિરૂધ્ધ કારણવિના પ્રસ્તાવ લાવીએથી ન તો ફકત પોતાના રાજકીય દેવાળીયાપણાનો પરિચય આપ્યો છે. પણ તેણે લોકતંત્રને કચડવાના પોતાના જુના ઇતિહાસને પણ દોહરાવ્યો છે. સરકાર પાસે દેશનો પુરો ભરોસો છે.

લોકસભામાં સરકાર વિરુધ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યે થયેલ મતદાન બાદ તુટી ગયો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર વોટીંગમાં મોદી સરકારના પક્ષમાઁ ૩૨૫ મત પડયા હતા જયારે વિરોધ પક્ષને ફકત ૧૨૬ મત મળ્યા હતા. ટીડીપી સાંસદ તરફથી લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ તુટયો હતો. (૪૦.૪)

 

 

(11:42 am IST)