Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

વાંદરાએ દેશી બોમ્બ ભરેલી પોલિથીનની થેલી ફેંકી

યુપી : વાંદરાએ દેશી બોમ્બ ફેંકયો : ધડાકો થતાં ત્રણને ઇજા

કાનપુર તા. ૨૧ : ગુરૂવારે ઉત્તર પ્રદેશના ફતેપુરામાં એક વાંદરાએ આતંક મચાવ્યો હતો. વાંદરાએ દેશી બોમ્બ ભરેલી એક કોથરી ફેંકતા બ્લાસ્ટ થયો હતો, ઘટનાને પગલે એક બાળક સહિત ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્લાસ્ટિકની થેલીમાં એવા પ્રકારનો બોમ્બ હતો જે કોઈ વસ્તુ સામે અથડાવાથી વિસ્ફોટ થાય. તમામ ઈજાગ્રસ્તોને બાજુમાં આવેલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જયાં તેમની સારવાર ચાલી રહી છે.

અહેવાલો મુજબ ૬૦ વર્ષના ગુલાબ ગુપ્તા અને તેમનો પાંચ વર્ષનો પૌત્ર સમ્રાટ ઘરની બહાર સ્કૂલ બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ઘટના બની હતી. આ સમયે વાંદરાએ દેશી બોમ્બ ભરેલી પોલિથીનની થેલી તેમના પર ફેંકી હતી. ધડાકા સાથે બોમ્બ ફાટતાં બંને દાદા-પૌત્ર અને રસ્તામાંથી પસાર થઈ રહેલ અન્ય એક શખ્સ ગંભીર રીતે ઘવાયા હતા. વિસ્ફોટનો અવાજ સાંભળીને આજુબાજુવાળા દોડી આવ્યા હતા અને ત્રણેયની નજીકના હોસ્પિટલે ખસેડી પોલીસને ઘટના વિશે જાણકારી આપી હતી.

પોલીસે કહ્યું કે શકય છે કે 'વાંદરો કચરાના ઢગલામાંથી બોમ્બ ભરેલી થેલી ઉઠાવી લાવ્યો હોય શકે છે અને ધાબા પર તે બેગથી રમતી વખતે અચાનક જ ગુલાબ ગુપ્તા અને તેમના પૌત્ર પર થેલી પડી ગઈ હોય શકે છે. ડોકટરે જણાવ્યું છે કે તમામ ઘાયલ લોકો ખતરાની બહાર છે પણ સમ્રાટ ગંભીર રીતે દાઝી ગયો છે. બની શકે તેટલી જલદી વાંદરાને પકડી લેવામાં આવે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી દેવામાં આવી છે.'

(11:24 am IST)