Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સરકાર માનતી નથી, ઈલાજ તો કરવો પડશે : ખેડૂત નેતા રાકેશ ટિકૈત

છ માસથી વધુના સમયથી ખેડૂતોનું આંદોલન : જમીન બચાવવા માટે હવે ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવું પડશે, ટ્રેકટરો સાથે તૈયાર રહેવાનું ખેડૂતોને આહવાન

નવી દિલ્હી, તા.૨૧ : કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રવિવારે સરકારને ધમકી આપી હતી. ટિકૈતે કોઈ પણ જાતના ડર વગર ઈલાજ કરવો પડશે તે અર્થની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા મહિના કરતા પણ વધારે સમયથી દિલ્હીની વિવિધ સરહદોએ મોટી સંખ્યામાં પંજાબ, હરિયાણા અને પશ્ચિમી યુપીના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો ગત વર્ષે બનાવવામાં આવેલા કૃષિ કાયદા રદ્દ કરવા અને એમએસપી પર કાયદો બનાવવા માગણી કરી રહ્યા છેખેડૂત નેતા અને ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને આંદોલન વધુ ઉગ્ર કરવા માટે કહ્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'સરકાર માનવાની નથી. ઈલાજ તો કરવો પડશે. ટ્રેક્ટરો સાથે પોતાની તૈયારી રાખો. જમીન બચાવવા માટે આંદોલન ઉગ્ર કરવું પડશે.' તેના એક દિવસ પહેલા પણ ટિકૈતે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગેરસમજ પોતાના મગજમાંથી કાઢી નાખે કે ખેડૂત પાછો જશે. ખેડૂતો માગ પૂરી થશે ત્યારે પાછા જશે. અમારી માગણી છે કે, ત્રણેય કાયદા રદ્દ થાય અને એમએસપી પર કાયદો બને. સરહદે બેઠેલા ખેડૂતો અને સરકાર વચ્ચે કોઈ ઉકેલ નીકળતો નથી જણાઈ રહ્યો. બંને વચ્ચે અનેક તબક્કે વાતચીત થઈ છે પરંતુ કોઈ પરિણામ નથી આવ્યું. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે કાયદો રદ્દ નહીં કરે. જો કોઈ ખેડૂત સંશોધન કરાવવા ઈચ્છે છે તો તેઓ માટે તૈયાર છે. સાથે સરકારે ખેડૂતોને કાયદો . વર્ષ પેન્ડિંગ રાખવા પ્રસ્તાવ મુક્યો છે પરંતુ ખેડૂતો શરૂઆતથી કાયદો રદ્દ કરવા અને એમએસપી પર કાયદો બનાવવા માગ કરી રહ્યા છે.

થોડા દિવસ પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ફરી કહ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. જોકે કાયદાઓને રદ્દ નહીં કરવામાં આવે.

(7:36 pm IST)