Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ઓલિમ્પિકમાં હરિયાણાના ખેલાડીઓનો ભારે દબદબો

ટોકિયો ઓલિમ્પિક માટે ભારતની તૈયારી જોરમાં : હરિયાણાની ૧૬ મહિલા ખેલાડી, ૧૩ પુરૂષ ખેલાડીને ઓલિમ્પિકની વિવિધ રમતો માટે ભારતીય ટીમમાં સ્થાન

નવી દિલ્હી, તા.૨૧ : ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓમાં હરિયાણાનો ફરી એક વખત દબદબો જોવા મળ્યો છે.

આમિરખાનની ફિલ્મ દંગલના ડાયલોગ..મારી છોરીયા છોરો સે કમ હૈ કે...ને હરિયાણાની દીકરીઓએ સાબિત કરી બતાવ્યો છે. રાજ્યની ૧૬ મહિલા ખેલાડીઓએ ઓલિમ્પિકમાં વિવિધ રમતો માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યુ છે. જ્યારે હરિયાણાના ૧૩ પુરુષ ખેલાડીઓ ઓલિમ્પકમાં ભારત વતી ભાગ લેશે.

હોકી ટીમની પસંદગી થઈ તે પહેલા રાજ્યના ૧૮ પ્લેયર્સ ઓલિમ્પિક રમવાના હતા પણ મહિલા હોકી ટીમની જાહેરાત બાદ હરિયાણાની મહિલા ખેલાડીઓની સંખ્યા વધી છે. ગયા વખતે ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓમાં હરિયાણાના ૧૮ ખેલાડીઓ હતા. વખતે સંખ્યા વધી છે. ઉલ્લેખનીય છે કે, હરિયાણા રાજ્ય કદમાં નાનુ છે પણ સ્પોર્ટસમાં પાવર હાઉસ મનાય છે. દર વખતે હરિયાણાના ખેલાડીઓનો રાષ્ટ્રિય સ્તરની ટુર્નામેન્ટોમાં પણ દબદબો રહેતો હોય છે. વખતે હરિયાણાની મહિલા ખેલાડીઓ કુસ્તી, શૂટિંગ, બોક્સિંગ, હોકી માટે ક્વોલીફાય થઈ છે.

જયારે પુરુષ ખેલાડીઓ કુશ્તી, હોકી, બોક્સિંગ, શૂટિંગ અને એથ્લેટ માટે ક્વોલીફાય થયા છે. હરિયાણાના જાણીતી ખેલાડીઓમાં કુશ્તી પ્લેયર બજરંગ પુનિયા, દીપક પૂનિયા, બોક્સર અમિત પંઘલ, એથ્લેટિક્સમાં નિરજ ચોપડા તેમજ મહિલા ખેલાડીઓમાં શૂટિંગ સ્ટાર મનુ ભાકર, કુશ્તી પ્લેયર વિનેશ ફોગટનો સમાવેશ થાય છે.

(7:35 pm IST)