Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ઉત્તરાખંડમાં આયુ.ના વૈદોને એલોપથી દવા લખવા મંજૂરી

એલોપથી અને આયુર્વેદ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો : ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલે ભારે વિરોધ વ્યક્ત કરીને ઉત્તરાખંડ સરકારના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો

ઉત્તરાખંડ, તા.૨૧ : એલોપથી અને આયુર્વેદ વચ્ચે બાબા રામદેવના નિવેદનોના કારણે ટકરાવ જોવા મળ્યો હતો. હવે વિવાદ વધુ વકર્યો છે. વખતે જોકે વિવાદ માટે બાબા રામદેવ નહીં પણ ઉત્તરાખંડ સરકારનો નિર્ણય જવાબદાર છે. રાજ્યમાં સરકારે આયુર્વેદિક તબીબોને એલોપેથી દવાઓનુ પ્રિસ્ક્રિપ્શન લખવાની છુટ આપી છે. જેની સામે ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલે વિરોધ કરીને રાજ્ય સરકારના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો છે. જોકે સરકારના આયુષ મંત્રી હરક સિંહ રાવતે કહ્યુ હતુ કે, લાંબા સમયથી પડતર આયુર્વેદિક ડોક્ટરોની માંગણીને મુખ્યમંત્રીએ મંજૂર આપી દીધી છે. આયુર્વેદિક ડોકટરો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કે, હિમાચલ પ્રદેશની જેમ ઉત્તરાખંડમાં પણ અમને એલોપથી દવાઓ લખવાની છૂટ આપવામાં આવે. સરકારે તેમને મંજૂરી આપી છે અને તેના કારણે સ્વાસ્થ્ય સેવાઓમાં મોટો બદલાવ જોવા મળશે. ઈમરજન્સીમાં તેઓ એલોપેથી દવાઓ લખી શખશે. અમને આશા છે કે, રાજ્યના દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકોને તેનો ફાયદો થશે.કારણકે આવા વિસ્તારોમાં એલોપેથી ડોકટરોની ભારે અછત છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ઉત્તરાખંડ બ્રાન્ચનુ કહેવુ છે કે, નિર્ણય વિરોધાભાસી છે. એક તરફ આયુર્વેદ ડોકટરો એલોપેથી પર સવાલ ઉભા કરે છે અને બીજી તરફ તેઓ પોતે એલોપેથી દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવા માંગે છે. એવુ લાગે છે કે, રાજ્ય સરકાર કાયદાઓ અંગે જાગૃત નથી. નિર્ણય ગેરકાયદે છે.

ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવે જ્યારે એલોપેથીની સામે નિવેદન આપ્યા ત્યારે તેમનો સૌથી વધારે વિરોધ પણ ઉત્તરાખંડના ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કર્યો હતો.

(7:34 pm IST)