Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વૃક્ષો વાવી દેખરેખ રાખનારા છાત્રોને વધુ માર્કસ મળશે

હરિયાણા સરકારની નવતર જાહેરાત : આ નિયમ હરિયાણા સ્ટેટ બોર્ડની સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે, નિયમો પર જલ્દી કામ કરવામાં આવશે

હરિયાણા, તા.૨૧ : પર્યાવરણની જાળવણીની વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે અને ખાસ તો વિદ્યાર્થીઓને વિચારધારા સાથે જોડવા માટે હરિયાણાના મુખ્યમંત્રીએ એક નવતર જાહેરાત કરી છે. જેનુ કદાચ બીજા રાજ્યો પણ અનુકરણ કરે તેવી શક્યતા છે.

મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યુ છે કે, ધો. થી ૧૨માં જે વિદ્યાર્થીઓ વૃક્ષ વાવીને તેની દેખરેખ રાખશે તેમને વધારાના માર્કસ આપવામાં આવશે. વાર્ષિક પરીક્ષામાં તેમને માર્કસ મળશે અને નિયમ હરિયાણા સ્ટેટ બોર્ડની સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે.

તેમણે કહ્યુ હતુ કે, તેના નિયમો બનાવવા પર બહુ જલ્દી કામ કરવામાં આવશે. જાહેરાત તેમણે એક પંચકર્મ સેન્ટરના ઉદઘાટન સમારોહમાં કરી હતી. તેમનુ કહેવુ હતુ કે, વધારે માર્કસ મળતા હોવાથી વિદ્યાર્થીઓને વૃક્ષો વાવવા માટે અને રાજ્યને વધારે હરિયાળુ બનાવવા માટે પ્રોત્સાહન મળશે. જોકે તેમણે યોજના ક્યારથી લાગુ થશે તેનો કોઈ ખુલાસો કર્યો નથી.

કદાચ હરિયાણા પહેલુ રાજ્ય છે જેણે પ્રકારની નીતિની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં હરિયાણા એજ્યુકેશન બોર્ડ દ્વારા ગુજરાત જેવી ફોર્મ્યુલાના આધારે  ધો.૧૦ અને ધો.૧૨નુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.

(7:33 pm IST)