Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પૂર્વનું વેનિસ ગણાતું

અલપ્પુઝા : પ્રકૃતિને મનભરીને માણવાની તક આપતુ બેનમૂન -અનેરૂ પર્યટન સ્થળ

નદી, નહેરો, બેકવોર્ટ્સ તથા હરીયાળીથી હર્યુંભર્યુ અને કેરાલાની ત્રણ નદીઓનો અનોખો સંગમ ધરાવતુ ઐતિહાસિક ડેસ્ટીનેશન * લકઝુરીયસ હાઉસબોટ, લાઇટ હાઉસ, અલપ્પુઝા તથા થોટાપલ્લી બીચ, સનસેટ પોઇન્ટ, બીચ સર્ફીંગ એડવેન્ચર સ્પોર્ટસ, કયાકિંગ એડવેન્ચર, ઇન્ટરનેશનલ કોયર મ્યુઝીયમ, જયુટ ફેકટરી, અંબલપૂજા, શ્રી કૃષ્ણા મંદિર, કુમારાકોમ પક્ષી અભ્યારણ અચૂક જોવા અને માણવા લાયક

રાજકોટ,તા. ૨૧: માહિતી અને ટેકનોલોજીના આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં સમગ્ર વર્ષ દરમ્યાન હરવા -ફરવાના શોખીન લોકો પોતાની અનુ કૂળતા મુજબ 'હોલી ડે શેડ્યુલ' ગોઠવી લેતા હોય છે. ઉપરાંત નવા-નવા ડેસ્ટીનેશન્સ ઉપર પણ સતત નજર દોડાવતા રહે છે.

ભારતમાં બ્રિટીશ શાસન દરમ્યાન ગવર્નર જનરલ લોર્ડ કર્ઝના મતે પૂર્વનું વેનિસ ગણાતુ અને હાલમાં પ્રકૃતિનું મનભરીને માણવાની તક આપતુ બેનમૂન અન પર્યટન સ્થળ અલપ્પુઝા ઐતિહાસિક ડેસ્ટીનેશન છે. નદી, નહેરો, બેકવોર્ટ્સ તથા ચારેબાજુ, હરીયાળીથી હર્યુભર્યુ અને કેરાલાની ત્રણ મોટી નદીઓ મનીમાલા, પમ્બા તથા અચંચવિલનો ત્રિવેણી સંગમ ધરાવતુ સહેલાણીઓનું માનીતુ પર્યટન સ્થળ છે.

કોચીનથી ૮૦ કિલોમીટર જેટલુ દૂર આવેલ અલપ્પુઝા શહેર તેના બેકવોટર્સ અને ખૂબસૂરત લકઝુરીયસ હાઉસબોટ માટે સમગ્ર વિશ્વમાં અલગ ઓળખ ધરાવતુ હોવાનું સોલો ફીમેલ ટ્રાવેલર કાયનાત કાઝી જણાવી રહ્યા છે. અલપ્પુઝા એક એવુ શાંત શહેર છે કે જેની એક તરફ સમુદ્ર છે તો બીજી તરફ બેકવોર્ટ્સ આવેલ છે. બેકવોટર્સની ઉપર એક જ લાઇનમાં ઢળેલા નાળીયેરીના વૃક્ષો સહેલાણીઓને ઔર આકર્ષિત કરે છે. દૂર-દૂર સુધી હરિયાણી ધરાવતા ખેતરો જોતા જાણે મખમલી ચાદર પાથરી હોય છે તેવો આભાસ કરાવે છે. ઇશ્વરની કૃપા અને સ્વર્ગ સમાન આ જગ્યાનો નઝારો જ કંઇક અલગ છે. આ જગ્યાની તટ રેખા ૮૨ કિ.મી. લાંબી છે. જે કેરાલા રાજ્યની કુલતટીય રેખાની ૧૩ ટકા જેટલી છે.

અહીંની લકઝુરીયસ વિશાળ અને મજબુત હાઉસબોટ અને તેમાં માણવા મળતો કેરાલાનો પારંપારિક સ્વાદ સહેલાણીઓ માટે અવિસ્મરણિય હોય છે. હાઉસબોટ સહિતના પેકેજ ઓનલાઇન કે પછી ટ્રાવેલ એજન્ટસ દ્વારા પણ બુક કરાવી શકાય છે. આ જગ્યા ભૂતકાળમાં વેપારનું પણ મોટુ કેન્દ્ર ગણાતી હતી. આનુ પ્રમાણ અહીંના બીચ ઉપર બનેલ સુંદર લાઇટ હાઉસ ઉપરથી મળે છે. દક્ષિણિ-પશ્ચિમી તટનું સૌથી જુનુ લાઇટહાઉસ છે. કહેવાય છે કે આ જગ્યાનો પ્રથમ પથ્થર (ઇંટ) ત્રાવણકોરના રાજા માર્થડ વર્માના શાસનકાળ દરમ્યાન ૧૮૬૦માં તત્કાલિન બંદરગાહ અધિકારી હ્યુગ ક્રોફર્ડેૅની પત્ની હ્યુ ક્રોફર્ડ રાખ્યો હતો અને આ જગ્યા બનતા લગભગ બે વર્ષ લાગ્યા હતા. લાઇટહાઉસની રોશની પ્રથમ વખત ૨૮ માર્ચ ૧૮૬૨ના દિવસે પ્રકાશીત કરવામાં આવી હતી આ વખતે નાળીયેરના તેલના નવ મોટા દીવા કરવામાં આવ્યા હતા. મેટલ રીફલેકટરથી ફેંકાતો આ પ્રકાશ ૧૭ નોટીકલ માઇલ સુધી સમુદ્રી જહાજોને રસ્તો બતાવતો હતો. હવે રોજ બપોરે ૩ થી ૫ દરમ્યાન પર્યટકો માટે તેને ખોલવામાં આવે છે. અહીં એક પાર્ક, મ્યુઝીયમ તથા સોવેનિયર શોપ પણ આવેલ છે.

અલપ્પુઝાનું અન્ય મુખ્ય આકર્ષણ સમુદ્ર કિનારો-અલપ્પુઝા બીચ છે, કે જ્યાંથી અરબ સાગરનું સૌથી સુંદર દ્રશ્ય જોવા મળે છે. સોનેરી રેતીના કણો સાથે ઉછળકૂદ કરતા સમુદ્રના બ્લુ પાણીના મોજાઓ અદભૂત લાગે છે. આ શાંત બીચ ઉપરનો સનસેટ પોઇન્ટ પણ અચૂક માણવા જેવો છે. સુર્યાસ્તની સાથે-સાથે અહીં સવારથી જ લઇને સમગ્ર દિવસ દરમ્યાન બીચ સર્ફીગ જેવા એડવેન્ચર સ્પોર્ટસ સતત ચાલુ જ રહે છે. સમુદ્રની લહેરોને બે હાથે માણવા માટે પણ થોટાપલ્લી બીચ ખૂબ જ રમણિય અને આહલાદક જગ્યા છે. અહીં દરીયાના મોજાની ઊંચાઇ છ થી આઠ ફુટ જેટલી જોવા મળે છે.

અલપ્પુઝાના પ્રાકૃતિક સૌંદર્યને નજીકથી જોવા-માણવા માટે થોડુ વધુ અંદર આવેલ કયકિંગ એક ખૂબ સારો વિકલ્પ છે. અહીં પ્રોફેશનલી કયાકિંગ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બેકવોટર્સમાં આવેલ ગામ, ખેતરો તથા ત્યાંના જીવનને નજીકથી જોવા માટે કયાકિંગ એક જબ્બર એડવેન્ચર છે.

કાયનાત કાઝી તો એમ પણ કહે છે કે અલપ્પુઝામાં આવેલ ઇન્ટરનેશનલ કોયર મ્યુઝીયમ જોવાનું ન ભૂલવું જોઇએ. ભારતની સૌપ્રથમ જયુટ (શણ) ફેકટરી અહીં બની હતી. અંબલપૂજા શ્રી કૃષ્ણા મંદિર અહીંનું પ્રસિધ્ધ મંદિર છે. આ મંદિરનું નિર્માણ ૧પ થી ૧૭ મી સદી દરમ્યાન થયું હોવાનું કહેવાય છે. આ સિવાય કુમારા-કોમ પક્ષી અભ્યારણમાં બર્ડ વોચીંગ ટૂર પણ કરી શકાય છે. ટૂંકમાં ઇશ્વરની કૃપા સાથેનું પ્રકૃતિનું વરદાન ગણાતું કેરાલાનું અલપ્પુઝા પર્યટન સ્થળ સહેલાણીઓ માટે હરહંમેશ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. (૨૨.૯)

અલપ્પુઝા પહોંચવું કઇ રીતે ? રહેવું કયાં ?

અમદાવાદથી અલપ્પુઝા તથા કોચીન માટેની ડાયરેકટર ફલાઇટ મળે છે. ઉપરાંત અમદાવાદ સહિત દેશના મુખ્ય મથકોએથી કેરાલા (કોચીન) જવા માટે ટ્રેઇન પણ મળતી હોય છે. બસ, કાર દ્વારા બાય રોડ પણ જઇ શકાય છે. ગુગલનો સહારો લઇને ઓનલાઇન બુકીંગ કરાવી શકાય છે. અથવા તો ટ્રાવેલ એજન્ટસ દ્વારા પણ બુકીંગ થઇ શકે છે.

અલપ્પુઝામાં રહેવા માટે વિવિધ સ્ટાર કેટેગરી તથા ફેસીલીટીઝ મુજબ ૪૦૦ રૂપિયાથી માંડીને ૧૦ હજાર રૂપિયા સુધીના ટેરીફ વાળી હોટલ્સ તથા ગેસ્ટ હાઉસ મળી રહે છે. અમુક કિસ્સામાં સીઝન મુજબ ટેરીફમાં ફેરફાર હોઇ શકે છે તથા ડીસ્કાઉન્ટ પણ મળી શકે છે. ઓનલાઇન બુકીંગ માટે ગુગલનો અથવા તો ટ્રાવેલ એજન્ટસનો સહારો પણ લઇ શકાય છે.

accommodations in alappuzha kerala

(4:42 pm IST)