Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સાયબર ફ્રોડથી સાવધાનઃ ઇ-મેલ-મેસેજથી આપી શકે છે નોકરીની સારી ઓફર

ગત વર્ષે આવી છેતરપીંડીથી રપ હજાર કરોડનું નુકશાન થયું, લોજીસ્ટીક ફ્રોડમાં રર૪ ટકા વધારો થયો

નવી દિલ્હી તા. ર૧: કોરોના મહામારીમાં પણ સાયબર માફીયાઓ તકનો ફાયદો ઉપાડી નોકરી અપાવાના નામ ઉપર લોકો સાથે ઠગાઇ કરી રહ્યા છે. હવે ગૃહ ખાતાએ આવા ફ્રોડને લઇને એલર્ટ જાહેર કર્યું છે.

જો કોઇ ઇ-મેઇલ અથવા મેસેજ દ્વારા નોકરીની ઓફર આવે તો એપ્લાય કરતા પહેલા તેની ઊંડાઇથી તપાસ કરવી. સરકાર તરફથી હંમેશા આવા ફ્રોડ અંગે તથા લાલચથી બચવા સલાહ અપાય છે. સાયબર માફીયાઓ છેતરપીંડી માટે સરકાર અને કોર્પોરેટ સંગઠનોના નામનો પણ ઉપયોગ કરે છે.

સાયબર દોસ્તના આધિકારીક ટ્વીટર એકાઉન્ટ ઉપર જણાવાયું છે કે તમારા ઇ-મેલ કે મેસેજીંગ એપ ઉપર આવેલ ખોટા જોબ એપોન્ટમેન્ટ લેટરથી સાવધાન રહો. તેઓ રજીસ્ટ્રેશન કે ઇન્ટરવ્યુના નામે ચાર્જ લઇ ઠગાઇ કરે છે. નોકરી માટે અરજી કરતા પહેલા વેબસાઇટો સાચી છે કે નહીં તેની ખરાઇ કરવી.આ ટ્વીટ એકાઉન્ટ દ્વારા યુપીઆઇ ફ્રોડથી પણ સાવધાન કરાયા છે. સરકાર જણાવેલ કે પોતાના યુપીઆઇ પીન કોઇ બીજા સાથે શેર ન કરવા. આકર્ષક જાહેરાત ઓફર જે તમારો યુપીઆઇ પીન માંગે છે અને તમારા પૈસા કાપવાનો પ્રયાસ કરે છે. કોઇ અજાણ્યા સ્ત્રોતથી કોઇપણ કયુઆર કોડ સ્કેન ન કરવો. તેમાં વધુમાં જણાવાયું છે કે જો તમારી સાથે કશું ખોટું થયું છે તો તેની ફરીયાદ સાયબર દોસ્તની વેબસાઇટ ઉપર જઇને કરી શકો છો.

સાયબર હુમલામાં ડીજીટલ ટ્રાન્ઝેકશનમાં ર૮ ટકા છેતરપીંડીના કેસ વધ્યા છે. જયારે લોજીસ્ટીક ફ્રોડ રર૪ ટકા સાથે પહેલા નંબરે છે. ટેલીકોમ સેકટર ર૦૦ ટકા સાથે બીજા નંબરે છે જયારે ૪૬ ટકાથી વધુ સાયબર ફ્રોડના પડકારો વેપારીઓએ જોયા છે એક વર્ષમાં રપ હજાર કરોડનું નુકશાન સાયબર ફ્રોડથી થયું છે.

(4:38 pm IST)