Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

કોરોનાથી થતા ડાયાબીટીસમાં કારગત છે આયુર્વેદ

કોરોના પછી ૧૩.૪ ટકા દર્દીઓ ડાયાબીટીસના શિકાર

નવી દિલ્હી તા. ૨૧ : કોરોના સંક્રમણ પછી ડાયાબીટીસની ઝપટમાં આવેલ દર્દીઓની સારવારમાં આયુર્વેદિક દવા કારગત સાબિત થઇ રહી છે. અલગ અલગ અભ્યાસથી આ વાત સાબિત થઇ છે. કોરોના દર્દીઓના ડેટા વિશ્લેષણમાં ખબર પડી છે કે તેમાંથી લગભગ ૧૩.૪ ટકા દર્દીઓ ડાયાબીટીસના શિકાર બન્યા છે. સાયન્સ જર્નલ એકસેલવીયરમાં હાલમાં જ છપાયેલ એમ્સના ડોકટરોના અભ્યાસ અનુસાર એવા દર્દીઓ જેમને પહેલા ડાયાબીટીસ નહોતો અને કોરોના સંક્રમણ પછી થયો તેમનામાં પણ સીવીયર ગ્લેસેમીયા જોવા મળ્યો. એકસેલ વીયરમાં છપાયેલ અભ્યાસમાં કોરોનાના દર્દીઓમાં થનાર હાઇપર ગ્લેસેમીયાની સારવારની વિભીન્ન રીતનો ઉલ્લેખ કરાયો છે. તેમાં સૌથી સુરક્ષિત અને અસરકારક ડીપીપી-૪ ઇન્હેબીટર જણાયો હતો. ડીપીપી-૪ ઇન્હેબીટરમાં મળી આવતા સીટા ગ્લીપ્ટીન, લીનાગ્લીપ્ટીન તથા વિન્ડા ગ્લીપ્ટીન લોહીમાં સુગરના લેવલને ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે.

જર્નલ ઓફ ડ્રગ રિસર્ચમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર, ડીપીપી-૪ ઇન્હેબીયરનો કુદરતી સ્ત્રોત દારૂહરિદ્રા નામનો ઔષધિય છોડ છે. કાઉન્સીલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઇઆર)ની લખનૌની લેબ નેશનલ બોટેનીકલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ (એનબીઆરઆઇ)ના વૈજ્ઞાનિક ડોકટર એ.કે.એસ. રાવત અનુસાર તેમને ત્યાં વિકસીત કરાયેલ ડાયાબીટીસની દવા બીજીઆર-૩૪માં દારૂ હરિદ્રાનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, એનબીઆરઆઇના વૈજ્ઞાનિકોએ દારૂહરિદ્રાના ડાયાબીટીસને ઠીક કરવાના ગુણોનો વિસ્તૃત અભ્યાસ કર્યો છે. ડોકટર રાવત અનુસાર બીજીઆર-૩૪માં દારૂહરિદ્રા ઉપરાંત બે વધુ તત્વો છે જે હાઇપર ગ્લેસેમિયાને નિયંત્રીત કરે છે. જેમાંથી એક છે ગુડમાર નામના ઔષધીય છોડમાંથી મળતો જીમનેમીક એસીડ અને બીજું છે મેથીમાંથી મળતુ રસાયણ ટીગોનોસાઇડ આઇબી કેમ રેકસીવ જનરલમાં હાલમાં પ્રકાશિત એક રિસર્ચમાં કહેવાયું છે કે જીમનેમિક એસીડ ડાયાબીટીસના દર્દીઓમાં હાઇપર ગ્લેસેમીયાને રોકવામાં મદદ કરે છે. એ જ રીતે મેથીમાંથી મળતું રસાયણ ટીગોનોસાઇડ આઇબી પણ હાઇપર ગ્લેસેમીયા સામે કારગત છે. આ અંગે પણ એક વિસ્તૃત રિસર્ચ એન્વાયરમેન્ટલ ચેલેંજીસ જર્નલમાં પ્રકાશિત થયું છે.

(3:23 pm IST)