Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

હવે પેટ્રોલના વિકલ્પ તરીકે આવશે ઇથેનોલ : કિંમત 60 રૂપિયા પ્રતિ લીટર :સરકાર લઇ શકે મોટો નિર્ણય

સરકાર આગામી 10 દિવસમાં ફ્લેક્સ ફ્યૂલ એન્જિન મોટો નિર્ણય લેશે : નીતિન ગડકરીએ આપ્યા સંકેત

નવી દિલ્હી: હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. પેટ્રોલના વિકલ્પ તરીકે હવે એક એવું ઇંધણ યૂઝ કરવામાં આવશે જે ઘણું સસ્તું હોઇ શકે છે.

સરકાર આગામી 10 દિવસમાં ફ્લેક્સ ફ્યૂલ એન્જિન પર મોટો નિર્ણય લેવા જઇ રહી છે. સરકાર ઇથેનોલના યૂઝ માટે તૈયારી કરી રહી છે. સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ઇથેનોલ એક વૈકલ્પિક ઇંધણ છે અને તેની કિંમત 60-62 રૂપિયા પ્રતિ લિટર હશે. પેટ્રોલની કિંમત હાલમાં 100 રૂપિયા પ્રતિ લિટરથી પણ વધારે છે. આ માટે ઇથેનોલના વપરાશથી દેશના લોકોને 30-35 રૂપિયા પ્રતિ લિટરની બચત થશે.

એક ઇવેન્ટને સંબોધિત કરતા નીતિન ગડકરીએ કહ્યું કે હું પરિવહન મંત્રી છું. હું ઇન્ડસ્ટ્રીઝને આદેશ જાહેર કરવાનો છું કે ફક્ત પેટ્રોલ એન્જિન નહીં રહે, ફ્લેક્સ ફ્યૂલ એન્જિન પણ હશે. જે લોકોને માટે વિકલ્પ હશે કે તેઓ 100 ટકા કાચા તેલનો ઉપયોગ કરે છે કે પછી 100 ટકા ઇથેનોલનો ઉપયોગ કરી શકે. અમે ફ્લેક્સ ફ્યૂલ એન્જિનને ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે અનિવાર્ય કરવા જઇ રહ્યા છીએ.

બ્રાઝિલ, કેનેડા અને અમેરિકામાં ઑટોમોબાઇલ કંપનીઓ ફ્લેક્સ ફ્યૂલ ઇંધણનું ઉત્પાદન કરી રહ્યા છે. દેશમાં ગ્રાહકોને 100 ટકા પેટ્રોલ કે 10 ટકા બાયો ઇથેનોલનો વિકલ્પ અપાશે. હાલમાં પેટ્રોલમાં 8.5 ટકા ઇથેનોલ મિક્સ કરાય છે. જે વર્ષ 2014માં 1.5 ટકા હતું. ઇથેનોલની ખરીદી પણ 38 કરોડ લિટરથી વધીને 20 કરોડ લિટર પહોંચી છે.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ વધુમાં ઉમેર્યું હતું કે, ઇથેનોલ પેટ્રોલથી પણ સારું ઇંધણ છે. આ ઓછા ખર્ચ, પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી છે. ભારતીય અર્થતંત્રને વેગ આપનારું પગલું છે.

(12:50 pm IST)