Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

કોરોનાગ્રસ્ત દર્દીઓને ઝડપથી સાજા કરે છે યોગ - પ્રાણાયામ

સામાન્ય લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓ જો યોગ અને પ્રાણાયામ કરે તો ઝડપથી રિકવર થાય છે ઓકિસજનની જરૂરીયાત પણ ઘટે છે

નવી દિલ્હી તા. ૨૧ : આજે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે લોકોને યોગના ફાયદા અંગે જાગૃત કરવામાં આવે છે. અત્યારે આખું વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે, ત્યારે નોંધનીય છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓ અને કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે યોગ અસરકારક સાબિત થયા છે. જો હોમ આઈસોલેટ થયેલા તેમજ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ યોગ અને પ્રાણાયામ કરે તો નોંધનીય પરિણામો જેવા મળી શકે છે. યોગ અને પ્રાણાયામને કારણે ઓકિસજનની જરૂરિયાત ઘટે છે અને દર્દી ઝડપથી રિકવર થાય છે.

કિડની હોસ્પિટલના ડિરેકટર વિનિત મિશ્રાએ આ બાબતે વાત કરતાં જણાવ્યું કે, માઈલ્ડ અને મોડરેટ લક્ષણો ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે યોગ અને પ્રાણાયામ કારગર સાબિત થાય છે. સિવિલ પરિસરમાં આવેલ કિડની ઈન્સ્ટિટ્યુટ દ્વારા જાહેર કરવામાં આવેલા અભ્યાસના પરિણામ અનુસાર, યોગ-પ્રાણાયામની શ્વાસ લેવાની તકનીક પર આધારિત કોવિડ રિહેબિલિટેશન પ્રોટોકોલને કારણે સેંકડો કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ રહેવાના દિવસો ઘટાડવામાં તેમજ ઝડપથી રિકવર થવામાં મદદ મળી છે. માત્ર દર્દીઓ જ નહીં, હોસ્પિટલના કર્મચારીઓ પણ યોગ-પ્રાણાયામ પર આધારિત શ્વાસ લેવાની આ તકનીકનો ઉપયોગ કરે છે, જેના કારણે તણાવ અને ચિંતામાં પણ ઘટાડો થાય છે.

કિડની ઈન્સ્ટિટ્યુટના પ્રોફેસર ડોકટર વિરલ ત્રિવેદી આ વિષે માહિતી આપતાં જણાવે છે કે, નિયંત્રિત શ્વાસ લેવાથી રૂધિરાભિષણ અને શ્વસનતંત્ર પુનઃજીવંત થાય છે, જેનાથી ચેપગ્રસ્ત ભાગો સુધી પોષણ અને દવાઓની પહોંચ સુનિશ્ચિત થાય છે. ગયા વર્ષથી અત્યાર સુધી હળવાથી મધ્યમ લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓને આ તકનીકને કારણે સારા પરિણામો જોવા મળ્યા છે. કોરોના ડ્યુટી દરમિયાન સ્વાસ્થ્ય કર્મચારીઓની શારીરિક અને માનસિક સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે યોગ કરાવવામાં આવતા હતા જેથી મન શાંત રહે અને આનંદની અનુભૂતી થઈ શકે.

ઉલ્લેખનીય છે કે માણસ અજાણતામાં એક દિવસમાં ૨૫,૦૦૦ વાર શ્વાસ લે છે, જે તેના ફેફસાના ૩૦ ટકા ક્ષમતા જેટલું છે. પ્રાણાયામની મદદથી ફેફસાની ક્ષમતા વધારી શકાય છે. નિયંત્રિત શ્વસનકાર્ય કરવામાં આવે તો નર્વસ અને ઈમ્યુન સિસ્ટમના નિયમનમાં ફેર પડે છે. IKDRCના નિયામક ડોકટર વિનિત મિશ્રાએ જણાવ્યું કે, કોવિડ રિહેબિલિટેશન પ્રોટોકોલને કારણે સેંકડો લીટર ઓકિસજનની બચત થઈ શકી છે. માઈલ્ડ અને મોડરેટ લક્ષણો દર્દીઓના હોસ્પિટલમાં દાખલ દિવસોમાં ઓછામાં ઓછા બે દિવસનો ઘટાડો જોવા મળ્યો છે.

(12:22 pm IST)