Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

દિલ્હીમાં બ્લેક ફંગસ-રેમડેસિવીરની નકલી ઈન્જેકશન બનાવતી આખી ફેકટરી ઝડપાઈઃ બે ડોકટર-એન્જીનીયર સહિત ૧૦ની ધરપકડ

ક્રાઈમ બ્રાંચના ડીસીપી મોનિકા ભારદ્વાજની જબરી કામગીરીઃ એમ્ફોટેરિસીન-બી તથા રેમડેસિવીરના ૩૨૮૩ નકલી ઈન્જેકશન કબ્જે

નવી દિલ્હી, તા. ૨૧ :. અહીંના નિરામુદીન વિસ્તારમાં એક ડોકટરના ઘરમાંથી બ્લેક ફંગસના નકલી ઈન્જેકશન બનાવવાની ફેકટરી ઝડપાતા સનસનાટી મચી જવા પામી છે.

દિલ્હી ક્રાઈમ બ્રાંચે આ કૌભાંડનો પર્દાફાશ કરી બે ડોકટર અને એક એન્જીનીયર સહિત ૧૦ લોકોની ધરપકડ કરી છે આ લોકો લિપોસોમલ એમ્ફોટેરિસીન-બી અને રેમડેસિવીરના નકલી ઈન્જેકશન બનાવી રહ્યા હતા.

પોલીસે દરોડા દરમિયાન ૩૨૮૩ ઈન્જેકશન, કાચોમાલ, લેપટોપ અને અન્ય મુદામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત ૧૦ ઈન્જેકશન જામિયાના મેડીકલ સ્ટોરમાંથી કબ્જે કરાયા છે. આરોપીઓમાં બે એમબીબીએસ ડોકટર છે. આ ગેંગનો સરદાર દેવરિયાના નકલપૂર ગામનો ડો. અલીમસ હુસૈનને યુપી પોલીસે ૨૯ એપ્રિલે રેમડેસિવીરના કાળાબજાર અંગે ઝડપી લીધો હતો. આ પછી તે ૮ મેના રોજ જેલની બહાર આવ્યો અને પોતાના ઘરે જ નકલી ઈન્જેકશનની આખી ફેકટરી ઉભી કરી દીધી.

ક્રાઈમ બ્રાંચના ડીસીપી મોનિકા ભારદ્વાજે જણાવ્યુ હતુ કે પોલીસે બ્લેક ફંગસની દવાની ડિલીવરી દરમિયાન જામિયા મેટ્રો સ્ટેશનના ગેઈટ ઉપર વસીમખાનને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછમાં ખૂલ્યુ હતુ કે તે મયંક તાલૂજાના કહેવાથી મોહમ્મદ ફૈસલ પાસેથી ઈન્જેકશન લઈ સપ્લાય કરવા આવ્યો હતો. ફૈેસલ મેડિકલ સ્ટોરમાં સેલ્સમેન હતો. પોલીસે આ મેડીકલ સ્ટોર ઉપર દરોડો પાડી તેના માલિક શોએબખાન અને અન્ય બે સેલ્સમેન ફૈસલ યાસીન તથા અફઝલને પકડી લીધા. આ બન્ને પાસેથી ૭૦ ઈન્જેકશન કબ્જે લેવાયા હતા.

પકડાયેલ શોએબે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે માહેત સ્થિત મેડીકલ હેલ્થકેરના શિવમ ભાટીયા બ્લેક ફંગસના ઈન્જેકશન આપે છે. શિવમને ઝડપી લેવાયા બાદ તેણે કબૂલ્યુ હતુ કે તે નિઝામુદ્દીનના આફતાબ ઉર્ફે સોનુ પાસેથી ઈન્જેકશન મેળવે છે. પોલીસે આ આફતાબને પણ ઉપાડી લીધો અને તેણે માસ્ટર માઈન્ડ ડો. અલ્તમસ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવેલ કે માસ્ટર માઈન્ડ ડોકટરે નિઝામુદીનમાં એક મોટુ હવેલી જેવુ મકાન ભાડે રાખી નકલી ઈન્જેકશન બનાવવાની ફેકટરી ઉભી કરી દીધી હતી.

(12:21 pm IST)