Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

દિલ્હી અનલોક : બાર અને રેસ્ટોરાં ખોલવા મંજૂરી મળી

રાતે ૧૦ વાગ્યા સુધી લોકો કરી શકશે એન્જોય : હાલ સવારે ૧૦થી રાતે ૮ વાગ્યા સુધી જ છૂટ હતી, જો કે રેસ્ટોરામાં હજુ ૫૦ ટકા ક્ષમતા સાથે જ ગ્રાહકોને બેસાડાશે

નવી દિલ્હી,તા.૨૦ : દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે જ હવે જનજીવન પાટે ચડવા લાગ્યું છે. દિલ્હી સરકારે અનલોક-૪ અંતર્ગત માર્કેટ, મોલ સહિત અનેક મામલે છૂટછાટ આપી છે. સવારે ૧૦થી લઈને રાતે ૮ વાગ્યા સુધી ખુલ્લું રાખવાની મંજૂરી અપાઈ છે. સોમવારથી બાર  ખોલવાની પણ મંજૂરી અપાઈ છે.  દિલ્હી સરકારના નિર્ણય મુજબ રાજધાનીમાં ૫૦ ટકા ક્ષમતા સાથે બાર ખોલી શકાશે. જો કે બાર ખોલવાનો સમય પણ નિર્ધારિત કરાયો છે. હવે બપોરે ૧૨ વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી જ બાર ખુલ્લા રાખી શકાશે. આ ઉપરાંત અનલોક-૪ હેઠળ દિલ્હીમાં અન્ય છૂટ પણ અપાઈ છે.

 

      દિલ્હીમાં હવે સોમવારથી રેસ્ટોરા પણ સવારે ૮ વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. હાલ સવારે ૧૦થી રાતે ૮ વાગ્યા સુધી જ છૂટ હતી. જો કે રેસ્ટોરામાં હજુ પણ ૫૦ ટકા ક્ષમતા સાથે જ ગ્રાહકોને બેસાડાશે. આ ઉપરાંત જાહેર પાર્ક અને ગાર્ડન ખોલવાની પણ મંજૂરી મળી છે. ૨૧ જૂનથી રાજધાનીમાં પબ્લિક પાર્ક, ગાર્ડન, ગોલ્ફ ક્લબ, અને આઉટડોર યોગા એક્ટિવિટીની પણ મંજૂરી મળી ગઈ છે આ સાથે જ બજારો, માર્કેટ, કોમ્પલેક્સ અને મોલ્સ પણ સવારે ૧૦થી રાતે ૮ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. મેટ્રો હજુ પણ ૫૦ ટકા ક્ષમતા સાથે જ ચાલશે અને આ સાથે બસ, ઓટો, રિક્ષા, ટેક્સી, કેબ, ફટફટ સેવા જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ઓછા મુસાફરોને બેસાડશે.  જાહેર સ્થળોમાં લગ્ન કરવા પર પ્રતિબંધ રહેશે. હજુ પણ બેક્ન્વેટ હોલ કે મેરેજ હોલમાં લગ્ન કરવા પર રોક ચાલુ છે. ફક્ત કોર્ટ મેરેજ કે ઘર પર જ લગ્ન થઈ શકશે. તેમાં ૨૦ લોકોને સામેલ થવાની જ મંજૂરી છે. આ ઉપરાંત અંતિમ સંસ્કારમાં પણ વધુમાં વધુ ૨૦ લોકો જ સામેલ થઈ શકે છે.

(12:00 am IST)