Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૪૦ મિનિટમાં જ ૨૪ યોગાસન કરી બધાને ચોંકાવ્યા

ઉપસ્થિત તમામ બાળકો અને વરિષ્ઠ લોકો ખુશ : તમામ યોગ વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઇ ભુલ પણ ન કરી : રિપોર્ટ

નવી દિલ્હી, તા. ૨૧ : પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે રાંચીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ ૪૦ મિનિટના ગાળામાં ૨૪ યોગાસન કર્યા હતા જેને જોઇને બાળકો અને મોટી વયના લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ધુર્વા સ્થિત પ્રભાતતારા મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં યોગ દરમિયાન મોદીએ કોઇપણ ભુલ ન કરી હતી અને લોકો આશ્ચર્યચકિત દેખાયા હતા. મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાનના નિર્દેશક બસવા રેડ્ડીના માર્ગદર્શનમાં વડાપ્રધાન અને અન્ય તમામ લોકોએ જુદા જુદા આસનો કર્યા હતા જેમાં પ્રાણાયામ, તાડાસન, વૃક્ષાસન, સવાસનનો સમાવેશ થાય છે. મોદીએ તમામ બે ડઝન યોગાસન ખુબ જ કુશળતા સાથે કર્યા હતા. મોદી ટાઈમસર મેદાનમાં પહોંચી ગયા હતા. ભાષણ આપીને મોદી યોગાસન માટે જવા લાગ્યા ત્યારે આસમાનમાંથી વરસાદની ધીમીગતિએ શરૂઆત થઇ હતી પરંતુ વડાપ્રધાન અટક્યા ન હતા અને મંચથી ઉતરીને સીધીરીતે અર્ધલશ્કરી દળોની વચ્ચે રહેલી ખાલી જગ્યામાં પહોંચી ગયા હતા અને તમામની વચ્ચે બેસીને યોગાસન કર્યા હતા. વડાપ્રધાન અને તેમની સાથે ઉપસ્થિત રહેલા તમામ લોકોએ તમામ આસન કર્યા હતા. વડાપ્રધાને પ્રાણાયામ પણ ચાર પ્રકારના કર્યા હતા. ત્યારબાદ મોદીએ વિદ્યાર્થીઓ, મહિલાઓ, બાળકો, વરિષ્ઠ લોકો પણ ઉત્સાહિત દેખાયા હતા. વડાપ્રધાનની આ પહેલ અને કુશળતાની તમામ લોકોએ પ્રશંસા કરી હતી. કેટલાક લોકોએ કહ્યું હતું કે, મોદી યોગના મામલામાં ખુબ જ કુશળતા ધરાવે છે. મોદીની સાથે યોગાસન કરીને ખુબ જ ગર્વ અનુભવ કરી રહ્યા છે તેમ સુરક્ષા કર્મી તેજસ્વીએ કહ્યું હતું. યોગના કાર્યક્રમ બાદ જુદા જુુદા હિસ્સામાં જઇને મોદીએ લોકો સાથે સેલ્ફી પડાવ્યા હતા જેના કારણે લોકો ખુશ થયા હતા.

(7:35 pm IST)