Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

બચત માટે ટેક્સ મુક્તિની મર્યાદા વધારવાની તૈયારી

ઇન્કમટેક્સ થ્રેસોલ્ડમાં પણ વધારો ઝીંકાશે : અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા બજેટમાં ઘણા પગલા લેવાશે

નવીદિલ્હી, તા. ૨૧ : નાણામંત્રી નિર્મલા સીતારામન અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવાના ઇરાદાથી બજેટમાં કેટલાક પગલા જાહેર કરી શકે છે. મળેલી માહિતી મુજબ સરકાર અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા બજેટમાં ઇન્કમટેક્સ થ્રેસોલ્ડમાં વધારો કરી શકે છે. કોઇપણ ટેક્સ મુક્તિ અર્થતંત્રમાં સ્ટીમ્યુલસનો ઉમેરો કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી મહિને રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટમાં પર્સનલ ઇન્કમટેક્સ થ્રેસોલ્ડમાં વધારો કરવાની યોજના ધરાવે છે. મામલા અંગે માહિતી ધરાવનાર લોકોના કહેવા મુજબ સત્તાવાળાઓ દ્વારા અર્થતંત્રમાં વપરાશને વધારવા માટેની યોજના તૈયાર કરી લીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારામન વર્કિંગ એજના વ્યક્તિગતો માટે ટેક્સ મુક્તિ મર્યાદા તેમની વાર્ષિક આવકના ત્રણ લાખ સુધી કરી શકે છે જે હાલમાં ૨૫૦૦૦૦ માટેની છે. લોકોના કહેવા મુજબ ટૂંક સમયમાં આ અંગે સંકેત સ્પષ્ટપણે મળી જશે. કોઇપણ ટેક્સ મુક્તિ ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે. સૂચિત ટેક્સ હિલચાલ ભારતમાં ૫૦ મિલિયન અથવા તો પાંચ કરોડ કરદાતાઓ પૈકી દરેકના હાથમાં ૨૫૦૦ રૂપિયા વધુ આપી શકે છે. આના લીધે બજેટ ડેફિસિટ ઉપર દબાણ વધી શકે છે. બજેટ ડેફિસિટ વર્તમાન નાણાંકીય વર્ષ માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના ૩.૪ ટકાની આસપાસ છે. પહેલી એપ્રિલના દિવસે વર્તમાન નાણાંકીય વર્ષની શરૂઆત થઇ હતી.

નાણામંત્રાલય દ્વારા બચત અને મૂડીરોકાણના ઇન્કમટેક્સ કાયદાની કહેવાતી કલમ ૮૦સી હેઠળ કરવામાં આવતા અન્ય રોકાણ માટે કરવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવા નિર્ણય લઇ શકે છે. હાલમાં આ મર્યાદા દોઢ લાખ રૂપિયાની છે. નાણામંત્રાલય માટેના પ્રવક્તા ડીએસ મલિકે માહિતી આપતા કહ્યું છે કે, બજેટ ચર્ચા ખુબ જ ગુપ્ત બાબત છે. સીતારામન પાંચમી જુલાઈના દિવસે સંસદના નીચલા ગૃહમાં બજેટ રજૂ કરનાર છે.

(7:34 pm IST)