Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

શેરબજારમાં કડાકો : સેંસેક્સમાં ૪૦૭ પોઇન્ટ સુધી મોટો ઘટાડો

સેંસેક્સ કારોબારના અંતે ૩૯૧૯૪ની નીચી સપાટીએ રહ્યો : યશ બેંક, મારુતિ, એચડીએફસી, હિરો મોટો, સન ફાર્મા સહિતના શ્રેણીબદ્ધ શેરમાં જોરદાર મંદીનું મોજુ : નિફ્ટી ઇન્ડેક્સ ૧૧,૭૨૪ની નીચી સપાટીએ

મુંબઈ, તા. ૨૧ : શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૪૦૭ પોઇન્ટ ઘટીને ૩૯૧૯૪ની નીચી સપાટીએ રહ્યો હતો. યશ બેંક, મારુતિ સુઝુકી, એચડીએફસી, હિરો મોટો અને સન ફાર્માના શેરમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બ્રોડર માર્કેટમાં નિફ્ટી ઇન્ડેક્સ ૧૦૮ પોઇન્ટ ઘટીને ૧૧૭૨૪ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક સિવાય તમામ એનએસઈ સેક્ટરલ ઇન્ડેક્સમાં મંદી રહી હતી. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી ઓટોમાં ક્રમશઃ ૧.૪૬ ટકા અને ૧.૨૨ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. ૧૧૫૭ શેરમાં તેજી રહી હતી અને ૧૨૯૨ શેરમાં મંદી રહી હતી. ૧૬૭ શેરમાં યથાસ્થિતિ રહી હતી. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૬૫ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૦.૮૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૫૬ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. ૧૪૬૨૫ની સપાટી આજે જોવા મળી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપમાં ૧૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૦૮૪ રહી હતી. આજે શરૂઆતી કારોબારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. આજે કેટલાક શેરમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી હતી. બીએસઈના ૩૦ કંપનીઓના શેર આધારિત સેંસેક્સ ગઇકાલે ૪૮૯ પોઇન્ટ ઉછળીને ૩૯૬૦૨ની સપાટીએ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજના ૫૦ કંપનીઓના શેર પર આધારિત નિફ્ટી ૧૪૦  પોઇન્ટની તેજી સાથે ૧૧૮૩૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા બુધવારના દિવસે રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો અને અર્થવ્યવસ્થાને વિકાસના માર્ગ ઉપર આગળ વધારવા તથા અર્થવ્યવસ્થામાં સારી સ્થિતિ વચ્ચે તેજીનો સંકેત આપવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં જ મુખ્ય વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપવામાં આવ્યા છે. દેશના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પરિબળો દેખાઈ રહ્યા છે. એકબાજુ કેન્દ્રમાં મોદીના નેતૃત્વમાં સરકાર સતત બીજી અવધિ માટે પ્રચંડ બહુમતિ સાથે આવી ગયા બાદ તેની અસર પણ દેખાઈ રહી છે. આર્થિક સુધારાની ગતિ તીવ્ર બની શકે છે. પાંચમી જુલાઈના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે જેમાં જુદા જુદા પગલા લેવામાં આવનાર છે. ખાસ કરીને શિક્ષણ અને કૃષિના ક્ષેત્રમાં પગલા લેવામાં આવી શકે છે. મળેલી માહિતી મુજબ નવી સરકાર આવ્યા બાદ નિર્મલા સીતારામન તમામ વર્ગને અપેક્ષા મુજબ મોટી ભેટ આપવા માટે ઇચ્છુક છે. ખાસ કરીને ઇન્કમટેક્સના મોરચા ઉપર કેટલી રાહત મળે છે તે બાબત મહત્વપૂર્ણ રહેશે.

(7:34 pm IST)