Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

પાકિસ્‍તાની વડાપ્રધાન ઇમરાન ખાને રવિન્‍દ્રનાથ ટાગોરના ઉદાહરણનો શ્રેય ખોટી રીતે આપવા તેમની ભુલ ઉપર લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ભારતીય કવિ અને નોબલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરના એક પ્રસિદ્ધ ઉદાહરણનો શ્રેય ખોટી રીતે લેબનાની અમેરિકી કવિ ખલીલ જિબ્રાનને આપવા બદલ બુધવારે ટ્વીટર પર ખુબ ટ્રોલ કરવામાં આવ્યાં. ખાને એક પ્રેરણાદાયક ઉદાહરણ શેર કર્યું હતું જેનો શ્રેય તેમણે લેબનાની-અમેરિકી કવિ ખલીલ જિબ્રાનને આપ્યો. તેમની ભૂલ પર લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.

તેમના દ્વારા શેર કરાયેલું પ્રેરણાદાયક ઉદાહરણ હતું, "હું સૂતો, સપનું જોયું કે જીવન આનંદ છે. હું જાગ્યો અને જોયું તો જીવન સેવા છે. મેં સેવા કરી અને જાણ્યું કે સેવા આનંદ છે. ટ્વીટ પર 23 હજાર લાઈક મળી અને પાંચ હજારથી વધુ લોકોએ તેને રીટ્વીટ કરી. જ્યારે બે હજારથી વધુ લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી. ટ્વીટ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું કે જે પણ લોકો જિબ્રાનના શબ્દોમાં જ્ઞાન શોધે છે અને તેને મેળવી લે છે તેઓ કઈંક રીતે સંતોષનું જીવન પણ મેળવી લે છે."

અગાઉ હાલમાં ઈમરાન ખાન એસસીઓની બેઠક દરમિયાન પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતાં. કિર્ગિસ્તાનની રાજધાનીમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન એટલે કે એસસીઓ (SCO) શિખર સંમેલનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રાજનયિક પ્રોટોકોલ તોડ્યો હતો. સંમેલનના ઉદ્ધાટન સમારોહનો એક વીડિયો પાકિસ્તાન તહરીક ઈન્સાફના અધિકૃત ટ્વીટર હેન્ડલથી  શેર કરાયો હતો. જેમાં ખાન સમારોહમાં બેઠેલા હતાં જ્યારે બાકી અન્ય દેશોના પ્રમુખો હોલમાં પ્રવેશ કરતાની સાથે લોકો તેમના સ્વાગતમાં ઊભા હતાં.

ઉદ્ધાટન સમારોહ દરમિયાન તમામ દેશોના પ્રમુખ એક એક કરીને હોલમાં પ્રવેશી રહ્યાં હતાં. દરમિયાન ત્યાં હાજર લોકો ઊભા થઈને તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરી રહ્યાં હતાં. જો કે દરમિયાન માત્ર ઈમરાન ખાન એવી વ્યક્તિ હતાં કે તેઓ ખુરશી પર બેઠા હતાં. જો કે થોડીવાર બાદ તેમને સમજમાં આવી ગયું કે આખા સમારોહમાં તેઓ એક માત્ર એવી વ્યક્તિ હતાં કે જેઓ ત્યાં બેઠા છે અને બાકીના બધા ઊભા છે. ત્યારબાદ તેઓ ઊભા થયા અને પાછા બેસી ગયાં.

અગાઉ ઈમરાન ખાને મહિનાની શરૂઆતમાં સાઉદી અરબમાં આયોજિત 14માં ઓઆઈસી શિખર સંમેલનમાં પણ રાજનયિક પ્રોટોકોલ તોડ્યો હતો. સાઉદી કિંગ સલમાન બિન સબ્દુલ અઝીઝ સાથે શિખર બેઠક દરમિયાન ઈમરાન ખાને કિંગના દુભાષિયા સાથે વાત કરી હતી અને સંદેશને સાઉદી કિંગને અનુવાદિત કરે તે પહેલા તેઓ ત્યાંથી જતા રહ્યાં હતાં. વીડિયોને સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ખાનની ટીકા થઈ હતી.

(5:26 pm IST)