Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

પીએમ મોદીને મળ્યા કેજરીવાલઃ આમંત્રણ આપ્યું સરકારી સ્કુલો જોવાનું

નવી દિલ્હી, તા.૨૧: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સંસદ ભવનમાં પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમને લોકસભામાં જીત માટે અભિનંદન આપ્યાં. ઉપરાંત તેમણે પીએમ મોદીને કહ્યું કે, દિલ્હી દેશની રાજધાની છે એટલે દિલ્હીના વિકાસ માટે કેન્દ્ર અને રાજય સરકાર બંનેએ ભેગાં મળી કામ કરવું જોઇએ. તેમને આશા છે કે, દિલ્હીના વિકાસ માટે કેન્દ્ર સરકાર પૂરતો સહયોગ આપશે.

યમુનાના પાણી મુદ્દે કેજરીવાલે પીએમને કહ્યું કે, પાણીનું એલોકેશન ૧૯૯૪માં થયું હતું, અત્યારે દિલ્હીની વસ્તી લગભગ બમણી થઈ ગઈ છે એટલે પાણીની સમસ્યા ઊભી થઈ છે. યમુનાનું જે પાણી વહી જાય છે, તેની આખી યોજના અમારી પાસે છે. યમુનાની બંને તરફ સરોવર બનાવી આ પાણીને સ્ટોર કરવામાં આવે તો, આખુ વર્ષ દિલ્હીમાં પાણીની અછત ન રહે. કેજરીવાલે કહ્યું કે, હજી વરસાદનો એક મહિનો બાકી છે તો કઈંક કરવામાં આવે તો, પાણીની અછતથી બચી શકાય.

કેજરીવાલે પીએમ મોદીને દિલ્હીની સરકારી સ્કૂલો જોવા આવવાનું પણ આમંત્રણ આપ્યું અને કહ્યું કે, તેમણે શિક્ષણ ક્ષેત્રે બહુ સારું કામ કર્યું છે. સરકારી શાળાઓનું પરિણામ ૯૪ ટકા આવ્યું છે. જો સરકારી સ્કૂલોની વડાપ્રધાન મુલાકાત લેશે તો તેમનું મનોબળ વધશે. ઉપરાંત કેજરીવાલે પીએમ મોદીને મહોલ્લા કિલનિક અને પાઙ્ખલીકિલનિક જોવા આવવાનું પણ આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે, પીએમ આવશે તો તેમને ગમશે. વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની કાનૂન-વ્યવસ્થા અંગે પીએમ સાથે કોઇ વાતચીત નથી થઈ.

સીએમ અરવિંદ કેજરીવાલ અને પીએમ નરેન્દ્ર મોદીના સંબંધો હંમેશાંથી તીખા જ રહ્યા છે. કેજરીવાલે પીએમ મોદી પર ઘણીવાર આરોપ મૂકયા છે કે, કેન્દ્ર સરકાર કામ કરવા નથી દેતી. ઓફિસરોની ટ્રાન્સફર અને નિયુકિત બાબતે કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા, જેના પર હજી નિર્ણય આવ્યો નથી. એક દેશ એક ચુનાવ મુદ્દે પીએમ મોદીએ બોલાવેલ ઓલ પાર્ટી મીટિંગમાં પણ કેજરીવાલ ગયા નહોંતા. આશા છે કે, આ બે નેતાઓ વચ્ચે થયેલ આ બેઠકમાં મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે.

(3:37 pm IST)