Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

યોગ ગરીબી દુર કરે છેઃ છેવાડાના માનવી સુધી તેને પહોંચાડો

રાંચીમાં ૪૦,૦૦૦ લોકો સાથે યોગ કરતા વડાપ્રધાન

રાંચી, તા.૨૧: ઝારખંડના રાંચીમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી જોડાયા હતા. વડાપ્રધાન મોદીએ કાર્યક્રમના પ્રારંભમાં ઝાંસી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઝારખંડ વન પ્રદેશ છે જે પ્રકૃતિનો ભાગ છે, જયારે યોગ પણ પ્રકૃતિનો ભાગ છે તેથી આ બંને સામ્યતાનો તાલમેલ સારી રીતે બેસે છે. યોગ દેશમાં ગરીબી દૂર કરી રહ્યો છે પરંતુ આધુનિક યોગ હજુ છેવાડાના માનવી સુધી પહોંચ્યો નથી. હું દેશના તમામ લોકોને અપીલ કરૂ છું કે આધુનિક યોગને ગરીબ, આદિવાસી, છેવાડાના માનવી સુધી પહોંચાડી તેમને ગરીબીમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરીએ

તેમણે કહ્યું, 'ઝારખંડ વન પ્રદેશ છે જે પ્રકૃતિનું સ્વરૂપ છે અને યોગ પણ પ્રકૃતિનું સ્વરૂપ છે તેથી હું આજે રાંચી આવ્યો છું. ગત વર્ષે આ જ દિવસે ઝારખંડથી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના 'આયુષ્યમાન ભારત' નો પ્રારંભ અહીંયાથી થયો હતો. આજે આ યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના બની છે. મારે હવે યોગને રાંચીથી વિશ્વભરમાં લઈ જવો છે.'

તેમણે વધુમાં કહ્યું,'આધુનિક યોગની યાત્રા ગ્રામીણ વિસ્તારમાં જોઈએ તેટલી પહોંચી નથી. આપણે સૌએ આધુનિક યોગની યાત્રા શહેરોથી ગામડા તરફ, જંગલ તરફ દૂરથી દૂર છેવાડાના માણસ સુધી લઈ જવો છે. ગરીબ અને આદિવાસી લોકોના દ્યર સુધી લઈ જવો છે. મારે યોગને ગરીબોના જીવનનો હિસ્સો બનાવવો છે. ગરીબ જ બીમારીથી સૌથી વધુ પીડાય છે અને ગરીબને વધુ ગરીબ બનાવે છે. દેશમાં ગરીબી ઓછી થવાની તીવ્રતા વધી છે, તેમાં યોગ મોટું માધ્યમ છે.'

પીએમ મોદીએ ઉમેર્યુ, 'બદલાતા સમયમાં વેલનેસ પર આપણું ધ્યાન હોવું અનિવાર્ય છે. આ શકિત યોગથી મળે છે, આ ભાવના પુરાતન ભાવનાની છે. ફકત અડધો કલાક મેટ પર કે જમીન પર કસરત કરવાથી નથી થતો, યોગ અનુસાશન છે, યોગ સમર્પણ છે તેનું પાલન જીવનભર કરવું પડે છે. યોગ નાત-જાત, સરહદ, પ્રાંત સૌથી પરે છે. યોગ સૌનો છે સૌ યોગના છે.'

પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતમાં યોગની જાગૃતિ ઘર ઘર સુધી પહોંચી છે. ગલી ગલીથી વેલનેસ સેન્ટર સુધી આજે યોગનો અનુભવ થઈ શકે છે. મને ત્યારે સૌથી વધુ સંતોષ મળે છે, જયારે હું યુવાનોને આપણી પુરાતન પદ્ઘતીને આધુનિક પદ્ઘતી સાથે જોડી રહી છે. ઇનોવેટિવ અને ક્રિયેટીવ આઈડિયાથી યોગ વધુ લોકપ્રિય થયો છે.

પીએમ મોદી ઉમેર્યુ હતું કે હ્રદયનો રોગ વિશ્વ અને ભારત માટે પડકાર છે, દેશમાં આ રોગની માત્રા વધી છે, નાની ઉંમરના યુવાનોમાં પણ હ્રદયની સમસ્યા વધી છે,હાર્ટ કેર અવેરનેસ સાથે સાથે યોગને પણ પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટનો ભાગ બનાવવો આવશ્યક છે, હું સ્થાનિક યોગ સંસ્થાોને અપીલ કરૂ છું કે રોગ ભગાડવા આગળ આવે. હાર્ટ અવેરનેસ થીમ બનાવી યોગનો પ્રચાર કરવો જોઈએ. જયારે સ્વાસ્થ્ય સારૂ હોય તો જીવન આગળ વધે છે. થાકેલા મન અને તૂટેલા શરીરથી અરમાનો પુરા નથી થતા.

(12:01 pm IST)