Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

દુબઈમાં ભારતીય દંપતીએ માતાને માર મારીઃ ભૂખી રાખી મારી નાખી

મરનારી મહિલાનું વજન મૃત્યુના સમયે માત્ર ૨૯ કિલોગ્રામ હતું

દુબઈ, તા.૨૧: અહીં ૨૯ વર્ષીય ભારતીય પુરુષ અને તેની ૨૮ વર્ષીય પત્ની પર માતાને માર મારીને તેના હાડકાં અને પાંસળી તોડી નાખવાનો, જમણી આંખની કીકીની આસપાસની રંગીન અંદરની ત્વચાનું કુંડાળું (આઇરિસ) કાપી નાખવાનો અને ભૂખી રાખીને મારી નાખી હોવાનો આરોપ છે.

ભારતીય મૂળના આ દંપતીનું નામ જાહેર નથી કરાયું. અલ કુસાઇસ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો હતો અને અદાલતમાં તેની સુનાવણી શરૂ કરાઇ હતી. દંપતીએ પોતાની માતા પર ૨૦૧૮ના જુલાઇથી ૨૦૧૮ના ઓકટોબર સુધી અત્યાચાર ગુજાર્યો હોવાનું કહેવાય છે. મરનારી મહિલાનું વજન મૃત્યુના સમયે માત્ર ૨૯ કિલોગ્રામ હતું. આ દંપતીના એક પાડોશીએ આ પ્રકરણ બહાર પાડ્યું હતું.પાડોશીએ જણાવ્યું હતું કે આ ભારતીય મહિલાએ ફરિયાદ કરી હતી કે મારી સાસુ અમારી દીકરીનું બરાબર ધ્યાન રાખતી નહિ હોવાથી તે અવારનવાર બીમાર પડી જાય છે.

તેણે જણાવ્યું હતું કે હું એક દિવસ આ પાડોશી ભારતીય દંપતીના દ્યેર ગયો ત્યારે તેઓની માતા ફરસ પર પડી હતી અને બહુ જ બીમાર હતી. મેં તેના માટે એમ્બ્યુલન્સ બોલાવી હતી.

પાડોશીએ જણાવ્યું હતું કે મેં આ વૃદ્ઘાને ફરસ પર પડેલી જોઇ ત્યારે તેના હાથ અને પગ પર સોજો હતો. આ મહિલાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

ભારતીય દંપતીનો કેસ ત્રીજી જુલાઇ સુધી મુલતવી રખાયો હતો અને ત્યાં સુધી તેઓને કસ્ટડીમાં રખાશે.

(12:00 pm IST)