Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

શ્રીલંકા પછી આઇએસની નજર ભારત પર, મંદિરો અને ચર્ચ પર હુમલાનું ષડયંત્ર

ભારતીય ગુપ્તચર વિભાગે પત્ર લખીને ચેતવણી આપીઃ એનઆઇએએ શ્રીલંકા પાસેથી મળેલા ઇનપુટ પછી ૧ર જૂને કોઇમ્બતુરથી આઇએસ સમર્થક ચાર સંદિગ્ધોની ધરપકડ કરી

કોઇમ્બતુર તા. ર૧ :.. શ્રીલંકામાં  સીરિયલ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી લેનાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટની નજર હવે ભારત પર છે. તામિલનાડુના કોઇમ્બતુરમાં એનઆઇએએ ૧ર જૂને આઇએસના સમર્થક એવા ૪ સંદિગ્ધોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યા મુજબ આઇએસના આતંકવાદી અનેક મંદિર અને ચર્ચમાં ફિદાયીન હૂમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે, પકડાયેલા આ શખ્સો પણ એ જ ષડયંત્રમાં સામેલ હતાં.

એનઆઇએએ શ્રીલંકા પાસેથી મળેલાં ઇનપુટ પછી ૧ર જૂને કોઇમ્બતુરમાં સાત જગ્યાએ  દરોડા પાડયા હતાં. આ દરમ્યાન એનઆઇએએ ચાર જણની ધરપકડ કરી હતી, જેમાાં શ્રીલંકા વિસ્ફોટનો મુખ્ય આરોપી જહરાન હાશિમનો ફેસબુક-મિત્ર મોહમ્મદ અઝહરૂદીન પણ સામેલ છે. અન્ય સંદિગ્ધોમાં શાહજહાં, મોહમ્મદ હુસેન અને શેખ સેફુલ્લા પણ છે.

ગુપ્તચર વિભાગે કેરળ પોલીસને પત્ર લખીને ચેતવણી આપી છે. સુત્રોએ જણાવ્યા મુજબ પત્રમાં કહેવાયું છે કે આઇએસને સીરિયા અને ઇરાકમાં ઘણું નુકસાન થયું છે એથી આઇએસ હવે હિન્દ મહાસાગર ક્ષેત્ર તરફ વધી રહ્યું છે.

પત્રમાં એમ પણ કહેવાયું છે કે આઇએસએ હવે પોતાના સમર્થોને પોતપોતાના દેશમાં રહીને સક્રિય રહેવા અને મેલી મુરાદને પુરી પાડવાનું કહ્યું છે. કોચ્ચી અને કોઇમ્બતુરના અનેક મહત્વપૂર્ણ વિસ્તારો આઇએસના નિશાના પર છે.

પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ છેલ્લા કેટલાંક વર્ષોમાં કેરળમાં ઓછામાં ઓછા ૧૦૦ લોકો આઇએસઆઇએસમાં સામેલ થયા છે. પોલીસે સમગ્ર રાજયમાં ૩૦૦૦ થી વધુ સંદિગ્ધો પર નજર રાખી છે. જેમાં મોટા ભાગના સંદિગ્ય ઉતરી વિસ્તારથી છે.

શ્રીલંકામાં ર૧ એપ્રિલે ઇસ્ટરના દિવસે ચર્ચ અને હોટેલમાં ૮ જેટલા શ્રેણીબધ્ધ વિસ્ફોટો થયા હતા જેમાં ૧૧ ભારતીય સહિત રપ૮ લોકોનાં મોત નીપજયાં હતાં. ભારતીય ગુપ્તચર વિભાગે શ્રીલંકાને ૧પ દિવસ પહેલાં જ અલર્ટ મોકલી હતી.

(11:42 am IST)