Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

નિર્મલા સીતારામનના વડપણમાં જીએસટી કાઉન્સીલની બેઠક

GST રિફન્ડ, ઈ-ચલણ સરળ બનાવવા લેવાશે નિર્ણય

ઓટોમોબાઈલ સેકટરને દોડતુ કરવા જીએસટીનો દર ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરાશેઃ સિમેન્ટ પણ સસ્તી થશે

નવી દિલ્હી, તા. ૨૧ :. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે પહેલીવાર મળનારી જીએસટી પરિષદની મીટીંગમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાએ પર ચર્ચા થશે. જેમાં જીએસટી રીફંડની પ્રક્રિયા સરળ બનાવવી અને ઈ-ચલણની સારી વ્યવસ્થા અમલી કરવા બાબતે નિર્ણયો લેવાઈ શકે છે. પરિષદ રાષ્ટ્રીય નફાખોરી વિરોધી એજન્સીનો કાર્યકાળ પણ વધારી શકે છે.

સૂત્રોનું કહેવુ છે કે જીએસટી પરિષદ રીફંડના દાવાઓની તપાસ માટે સીંગલ પોઈન્ટ વ્યવસ્થા બનાવવા બાબતે ચર્ચા કરશે. સિંગલ પોઈન્ટ રિફંડ પ્રણાલીથી રીફંડનું પેમેન્ટ ઝડપી થઈ શકશે. આ ઉપરાંત કંપનીઓને ઈ-ચલણ (ઈ-ઈનવોઈસ) ઉપલબ્ધ કરાવવા માટે સીંગલ પ્રણાલી બનાવવા અંગે પણ નિર્ણય થશે. આ પગલાથી નિકાસકારોના દાવાઓની ઓળખ કરવી સરળ બનશે અને વ્યવસ્થામાં વધુ પારદર્શકતા આવશે.

પરિષદની બેઠકમાં જીએસટી કાયદામાં ફેરફાર માટે સુધારા ખરડાના મુસદ્દા પર પણ ચર્ચા થશે. તેનાથી વેપારીઓ અને કંપનીઓને જીએસટીની ચુકવણીમાં થયેલી ભૂલો સુધારવાનો મોકો મળશે. જીએસટી ચુકવણી મોડુ થવા પર વ્યાજ ફકત રોકડાવાળા ભાગ પર લાગુ કરવાની રાહત પણ મળી શકે છે.

ઓટોમોબાઈલ સેકટરમાં હાલ મંદીનો માહોલ છે. તેમાં પ્રાણ ફુંકવા માટે જીએસટીનો દર હાલ ૨૮ ટકા છે તે ઘટાડીને ૧૮ ટકા કરાય તેવી શકયતા છે. ઉપરાંત સિમેન્ટને પણ સસ્તી કરવાનો નિર્ણય લેવાય તેવી શકયતા છે.

(10:11 am IST)