Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભારતે આયાત થતી ૨૯ પ્રોડક્ટ પર ડ્યુટી વધારી

અમેરિકાને તેની જ ભાષામાં ભારતનો જવાબ :અમેરિકાથી આયાત થતાં વિવિધ ઉત્પાદનો ઉપર ભારતે ૬૦ ટકા આયાત ડ્યુટી વધારી દીધી :ટ્રેડવોરનો જવાબ

નવી દિલ્હી,તા.૨૧ :તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશોમાંથી આવતા માલસામાન પરની ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાના લીધેલા નિર્ણયના ભારત સહિત વિશ્વના દેશોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમેરિકાના આ વલણની ભારતે પણ ગંભીર નોંધ લીધી છે અને અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપતા અમેરિકામાંથી ભારતમાં આયાત થતી ચીજવસ્તુઓ અને ઉત્પાદનો ઉપર આયાત ડ્યુટી વધારવાનો ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. ભારતે આજે જેવા સાથે તેવાના પ્રત્યાઘાત સાથે અમેરિકામાંથી આયાત થતા ૨૯ ઉત્પાદનો પર આયાત ડ્યુટી વધારવાનો નિર્ણય કર્યો છે. સૌથી વધુ વટાણા અને બંગાણી ચણા પર ૬૦ ટકા  સુધી આયાત ડ્યુટી વધારી દીધી છે એક પ્રકારની ઝિંગા માછલી આર્ટેમિયા પર ૧૫ ટકા ડ્યુટી નક્કી કરી છે. ભારતે આ પગલું ટ્રમ્પ શાસનના ટ્રેડ વોરના જવાબમાં લીધું છે. નાણાં મંત્રાલયના નોેટિફિકેશન અનુસાર, ડ્યુટી વધારો ૪ ઓગસ્ટથી લાગુ થશે. ટ્રમ્પ અનેક દેશોમાંથી  આવતા સામાન પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારી રહ્યું છે. તે અનુસાર અમેરિકાએ ભારતમાંથી આવતા સ્ટીલ પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ પર ૧૦ ટકા આયાત ડ્યુટી ૯ માર્ચે વધારી હતી તેના કારણે ભારતને ૨૪ કરોડ ડોલર એટલે કે આશરે ૧૬૫૦ કરોડ રૂપિયા વાર્ષિક વધારાનો બોજ પડયો છે. ભારત દર વર્ષે ૧૦ હજાર કરોડ રૂપિયાની સ્ટીલ અને એલ્યુમિનિયમ  પ્રોડકટ્સની અમેરિકામાં નિકાસ કરે છે ટ્રમ્પના ટ્રેડ વોરના જવાબમાં ભારતે ગયા સપ્તાહમાં વિશ્વ વ્યાપાર સંગઠનમાં ૩૦ પ્રોડકટની સુધારેલી યાદી જમા કરાવી હતી જેના પર ૫૦ ટકા સુધી કસ્ટમ ડ્યુટી વધારવાનો પ્રસ્તાવ હતો. આ ઉપરાંત  ભારતે અમેરિકમાંથી આવતા કેટલાક નટ્સ, આર્યન, સ્ટીલ પ્રોડકટસ, સફરજન, નાસપતિ, સ્ટેનલેસ સ્ટીલની કેટલીક પ્રોડકટસ, ટ્યૂબ અને પાઈપ ફિટિંગ, બોલ્ટ સહિત અનેક પ્રોડકટસ પર પણ ડ્યુટી વધારવામાં આાવી છે . જોકે અમેરિકામાંથી આવતી મોટરસાયકલ્સ પર લગતી ડ્યુટી નથી વધારવામાં આવી. સૂત્રોએ જણાવ્યું કે ભારતે જે ૩૦ આઈટમ્સની યાદી આપી હતી તેમાં ૮૦૦ સીસીથી ઉપરની બાઈક્સને દૂર કરી છે. બાકીની ૨૯ પ્રોડકટ પર કસ્ટમ્સ ડ્યુટી વધારવામાં આવી છે. ભારતે વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં અમેરિકાને ૪૨.૨૧ અબજ ડોલરની નિકાસ કરી હતી અને અમેરિકામાંથી ૨૨.૩ અબજ ડોલરની આયાત કરી હતી. અમેરિકા ભારત સાથેની આ વ્યાપાર ખાધને ઘટાડવા માગે છે.

(7:37 pm IST)