Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

દાતાઓની 'દિવ્ય દ્રષ્ટિ'...૮૦ કરોડની રકમ શૈક્ષણિક યજ્ઞમાં ધરી રાજસ્થાનની ૨૮૦૦ શાળાની પલટાવી કાયા

દેશભરમાંથી ઉત્સાહભેર આગળ આવેલા શિક્ષણ સારથીઓને સો-સો સલામઃ હજારો ભાવિ નાગરિકોના સુધરશે ભવિષ્ય :બાળકોને ભણાવવાના અભિયાનમાં કેટલાકે તો પાસે હતુ એ દાનમાં આપી પ્રસરાવ્યો 'પ્રેરણા'નો પ્રકાશઃ શાકભાજી વેચી ગુજરાન ચલાવતા ૭૦ વર્ષના કમલાબન ભૌરીએ હતી એટલી જમીન આપી દીધી, ભાડે રહેતા હોવા છતા પણ બીજાના બાળકોના સારા ભવિષ્ય માટે લીધો ઉત્તમમાં ઉત્તમ નિર્ણય

જયપુર,તા.૨૧: ભારતભરમાં જેમ-જેમ સમયના વ્હાણા વિતતા જાય એમ-એમ ટેકનોલોજીની સાથે સાથે શિક્ષણનો વ્યાપ પણ વધતો જતો હોવાથી પાછલા વર્ષોની તુલનાએ શૈક્ષણિક સ્તર પણ દર વર્ષેને વર્ષે વધ્યું છે, પરંતુ રાજસ્થાનમાં તો જાણે દાતાઓએ શિક્ષણ જયોતને વધુને વધુ પ્રમાણમાં ઝળહળાવવાનું નકકી કરી લીધુ હોય એમ એક જ વર્ષમાં ૮૦ કરોડ જેવી જંગી રકમ દાનમાં આપતા ૨૮૦૦ સરકારી શાળાઓની કાયા પલટી જવા પામી છે.

કહેવાય છે ને કે, દરેક કામમાં સફળતા અપાવવા માટે આગેવાનોને  આગળ આવવું જરૂરી છે...કોઇ સામાજીક સ્તરના પ્રસંગમાં પૈસાની જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં દાતાઓની પણ જરૂરત પડતી હોય છે.એવી જ રીતે રાજસ્થાનમાં પણ છેલ્લા એક જ વર્ષમાં રાજય સહિત દેશના વિવિધ ભાગોમાંથી હોશે હોશે ઉમટી પડેલા દાતાઓએ શિક્ષણ યજ્ઞ કાજે દિવ્ય દ્રષ્ટિ રાખી ૮૦ કરોડ જેવી જંગી રકમના દાનની સરવાણી વહાવી એક સાથે જ ૨૮૦૦ જેટલી સરકારી શાળાઓમાં સુવિધા અપાવી સંપૂર્ણપણે કાયાપલટ કરાવી નાંખી છે.

જ્યાં  ભણવાની જગ્યા સુવિધારૂપ હોય તો ત્યાં અભ્યાસ કરવા આવતા છાત્ર-છાત્રાઓને પણ ઉત્સાહ રહે છે, બસ એવી જ રીતે રાજસ્થાનની ૨૮૦૦ શાળાઓને સુવિધા પ્રાપ્ત થતા જ હજારો ભાવિ નાગરિકોના ભવિષ્ય ઉજજવળ થવાના ઉજળા સંજોગો વર્તાઇ રહયા છે.

દરમિયાન વધુમાં જાણવા મળ્યાનુસાર ડુંગરપુર જિલ્લામાં રહેતા ૭૦ વર્ષના કમલાબેન ભૌરીને રહેવા માટે ઘરનું મકાન ન હોવા છતા પણ બીજાના બાળકોને ભણાવવા કાજે પોતાની ૨૭૦૦ વર્ગફુટ જમીન કિશનલાલ ગર્ગ ઉચ્ચ માધ્યમિક સ્કુલ માટે દાનમાં આપી ખરા અર્થમાં પ્રેરણારૂપ કાર્ય કરી બતાવ્યું છે...કહેવાય છે કે, કમલાબેન પોતે પણ શાકભાજી વેંચી પરિવારને મદદરૂપ થઇ રહયા છે.બે પુત્ર, એક પુત્રી સાથે હાલ ભાડાના મકાનમાં રહે છે, છતા પણ ઉત્તમમાં ઉત્તમ નિર્ણય કરી અન્યો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

એવી જ રીતે મુળ રાજસ્થાનના અને હાલ કલકતા ખાતે રહી વેપાર કરતા ૮૦ વર્ષિય નૈનીચંદ તોષનીવાલ દ્વારા પણ રાજસ્થાનના ચુરૂ, નાગૌર, અજમેર સહિતના વિવિધ શહેરોમાં અત્યાર સુધીમાં ૨૦ જેટલી શાળાઓના ભવનો તૈયાર કરી સરકારને સોંપી દેવામાં આવ્યા છે.રાજસ્થાનમાં ઘર હોવાને નાતે અનન્ય લગાવ હોવાથી નૈનીચંદ દ્વારા શૈક્ષણિક યાત્રા વર્ષેને વર્ષે આગળ ધપાવાઇ રહી છે...જેમાં સરકાર જમીન ફાળવે પછી ભવનો તૈયાર કરી દેવામાં આવે છે.

'સેવા'નું સન્માન...

૧૧૧ દાતાઓ સાથે સાથે પ્રેરણા બળ પુરૂ પાડનાર ૪૪ શ્રેષ્ઠીઓને અપાશે શિક્ષા વિભૂષણ- શિક્ષા ભૂષણ એવોર્ડ

જયપુરઃ  રાજસ્થાનમાં શિક્ષણ જયોત ઝળહળાવવાના ભાગરૂપે માત્ર રાજસ્થાન જ નહિ, પણ દેશભરમાંથી હોશભેર શિક્ષણ યજ્ઞમાં ઉમદા હાથે સહયોગ સાથે ફાળો આપનારા તમામે તમામ ૧૧૧ દાતાઓનો સન્માન સમારોહ શિક્ષણ વિભાગ દ્વારા ૨૮મીએ જયપુર ખાતે યોજાનાર છે.જેમાં  દાતાઓ સાથે સાથે પ્રેરણા આપનાર ૪૪ શ્રેષ્ઠીઓને પણ સન્માનિત કરાશે.

જાણવા મળ્યાનુસાર એક કરોડથી વધુનું દાન દેનાર ૨૦ દાતાઓને 'શિક્ષા વિભૂષણ' અને ૧૫ લાખથી એક કરોડ સુધીનું દાન આપનાર દાતાઓને 'શિક્ષા ભૂષણ'ના એવોર્ડ એનાયત કરવામાં આવશે.

(4:15 pm IST)