Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

બેંગલુરૂમાં પાર્કિંગની જગ્યા નહીં હોય તો કાર નહીં ખરીદી શકાય !

ટ્રાફિક સમસ્યાને કારણે બેંગલુરૂને દર વર્ષે ૩૮,૦૦૦ કરોડનું નુકસાન થાય છે

બેંગ્લોર તા. ૨૧ : દેશમાં શહેરોમાં રોડ પર પાર્ક કરવામાં આવતા વાહનોનો કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે બેંગલુરુમાં એક નવો નિયમ લાવવાની વિચારણા ચાલી રહી છે. આ પ્રસ્તાવિક નિયમ મુજબ, જો લોકો પાસે કાર પાર્ક કરવાની જગ્યા નહીં હોય, તો તેઓ કાર ખરીદી શકશે નહીં. વાહન-વ્યવહાર મંત્રી ડી.સી થમન્નાએએ કહ્યુ કે, આ પોલિસી વિશે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. કર્ણાટકની રાજધાનીમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા આ પ્રસ્તાવ પર વિચાર ચાલી રહ્યો છે.

બેંગલુરૂમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે મંત્રીએ કહ્યું, બેંગલુરૂમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે જે કેટલાક ઉપાયો છે તેમાં એક ઉપાય એવો છે કે, જે લોકો પાસે કાર પાર્ક કરવાની જગ્યા નથી તેમને કાર ખરીદતા રોકવા. કેમ કે, જે લોકો પાસે પાર્કિગ માટેની જગ્યા નથી હોતી તેઓ જાહેર રોડ પર તેમની કાર પાર્ક કરે છે અને રસ્તાઓ બ્લોક કરી દે છે. આ એક મોટી સમસ્યા બનતી જાય છે. આ સિવાય ડિઝલથી ચાલતા વાહનો વિશે પણ વિચારવા જેવું છે.

વાહન-વ્યવહાર મંત્રીએ કહ્યુ કે, ચૂંટણી દરમિયાન કોંગ્રેસ વિદ્યાર્થીઓને બસમાં મફત મુસાફરીનું વચન આપ્યુ હતુ તે વિશે રાજયનાં મુખ્યમંત્રી કુમારાસ્વામી આ વિશે ટૂંક સમયમાં જાહેરાત કરશે.

તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ, ટ્રાફિક સમસ્યાને કારણે બેંગલુરુને દર વર્ષે ૩૮,૦૦૦ કરોડનું નુકશાન થાય છે. ગયા મહિને એક અન્જિનિયરીંગનો વિદ્યાર્થી ઘોડા પર બેસી ઓફિસ આવ્યો તેણે આખા દેશમાં હલચલ મચારી દિધી હતા. તે પોતે શહેરની ટ્રાફિક સમસ્યાથી કંટાળી ગયો હતો અને તેનો વિરોધ દર્શાવવા માટે ઘોડા પર ઓફિસ આવ્યો હતો.

(4:06 pm IST)