Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

નકસલીઓ - વિરપ્પનનો ખાતમો કરનારા આ બે અધિકારીઓ હવે કાશ્મીરના મિશન પર

જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ દેશના કેટલાક ચર્ચિત અધિકારીઓને રાજ્યમાં બહાલ કરવામાં આવ્યા છે

નવી દિલ્હી તા. ૨૧ : જમ્મુ અને કાશ્મીરમાં રાજયપાલ શાસન લાગુ થયા બાદ દેશના કેટલાક ચર્ચિત અધિકારીઓને રાજયમાં બહાલ કરવામાં આવ્યાં છે. છત્તીસગઢના એડિશનલ ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યમને રાજયપાલે મુખ્ય સચિવ અને પૂર્વ આઈપીએસ અધિકારી વિજયકુમારને રાજયપાલના સલાહકાર તરીકે નિયુકત કરાયા છે. સુબ્રમણ્યમની ગણતરી દેશના કાબેલ ઓફિસરોમાં થાય છે અને તેઓ નકસલી પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ બહાલ કરવા માટે ખાસ જાણીતા છે. કુખ્યાત ચંદન તસ્કર વીરપ્પન ઓકટોબર ૨૦૦૪માં એક અથડામણમાં માર્યો ગયો હતો. વિજયકુમારે જ આ ટીમનું નેતૃત્વ કર્યું હતું. 

મનમોહન સિંહના ખાસ અધિકારીઓમાં સુબ્રમણ્યમનું પણ નામ હતું જેમને યુપીએ-૧માં મનમોહને પોતાના અંગત સચિવ તરીકે નિયુકત કર્યાં હતાં. મનમોહન સિંહે જયારે યુપીએ-૨ની કમાન સંભાળી હતી ત્યારે તેમણે ૨૦૧૨માં ફરીથી સયુંકત સચિવ પદે તેમને બહાલ કર્યા હતાં. ૩ વર્ષ સુધી વર્લ્ડ બેંક સાથે સફળતાપૂર્વક કામ કર્યા બાદ સુબ્રમણ્યમ જયારે પાછા ફર્યા ત્યારે એકવાર ફરીથી મનમોહને તેમના પર ભરોસો બતાવ્યો અને તેમને જોઈન્ટ સેક્રેટરીનું પદ આપ્યું. સુબ્રમણ્યમે મોદી સરકાર સાથે પણ જોઈન્ટ સેક્રેટરીના પદે કામ કર્યું અને ત્યારબાદ તેમની વાપસી પોતાના કેડર છત્તીસગઢમાં થઈ.

છત્તીસગઢના ગૃહ સચિવના પદ પર હતાં ત્યારે તેમણે નકસલી પ્રભાવિત વિસ્તારોમાં ઉલ્લેખનીય કામ કર્યું. ખાસ કરીને છત્તીસગઢના નકસલી પ્રભાવિત વિસ્તારોમાં તેમણે વિકાસ કાર્યોને સફળતાપૂર્વક અંજામ આપ્યો અને તેના માટે તેઓ જાણીતા છે. બસ્તર વિસ્તારમાં બીવીઆર સુબ્રમણ્યમ મુખ્ય સચિવ હતાં ત્યારે યોગ્ય રણનીતિ અને ઈચ્છાશકિત દ્વારા તેમણે ૭૦૦ કિમી લાંબો રસ્તો બનાવવામાં સફળતા મેળવી. ૨૦૧૭માં આ વિસ્તારમાં ૩૦૦થી વધુ નકસલીઓ માર્યા ગયા અને ૧૦૦૦થી વધુ નકસલીઓએ સરન્ડર કર્યું.

(4:05 pm IST)