Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

અમેરિકામાં ગેરકાનૂની રહેતા ૬૭ ભારતીય - નેપાળી - બાંગ્લાવાસી જેલમાં

ઓરેગોન ડિટેન્શન સેન્ટરમાં રાખ્યા : મોટાભાગના શીખ અને ખ્રિસ્તી છે : જેલમાં અમાનવીય સ્થિતિ : ૨૪માંથી ૨૨ કલાક નાની કોટડીમાં પૂરી દેવાય છે

વોશિંગ્ટન તા. ૨૧ : ગેરકાયદે અમેરિકા આવેલા અને ત્યાં આશ્રય માગી રહેલા બાવન ભારતીયને અમેરિકન સત્તાવાળાઓ દ્વારા પકડી લેવામાં આવ્યાં છે. આમાં મોટાભાગનાં શીખ છે. તેમને ઓરેગોન રાજયનાં ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યાં છે. આ લોકો સારું જીવન જીવવાની આશાથી અમેરિકા આવ્યા હતા પણ ટ્ર્મ્પ સરકારની ઈમિગ્રન્ટસ અંગેની ઝીરો ટોલરન્સ નીતિનો ભોગ બન્યા છે. તેમને અમેરિકાની નવી કડક ઈમિગ્રેશન નીતિ હેઠળ પકડીને જેલમાં ધકેલવામાં આવ્યા છે. આમાંનાં કેટલાકો લોકો તો તેમના બાળબચ્ચા અને પરિવારથી વિખુટા પડી ગયા છે તેમના બાળકો અને પરિવાર કયાં છે તેની તેમના ખબર સુદ્ઘાં નથી.

આ કેન્દ્રમાં ૧૨૩ લોકોને કેદ કરાયાં છે, જેમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે અને મોટાભાગનાં લોકો શીખ અને ખ્રિસ્તી છે.ઙ્ગ ગેરકાયદે ઈમિગ્રન્ટસને ઓરેગોનની શેરિડન ફેડરલ જેલમાં રખાયા છે. આ જેલ યામહિલ કાઉન્ટીમાં આવી છે. અહીં કેદ કરાયેલા ૧૨૩માંથી૭૦ઙ્ગ સાઉથ એશિયાનાં દેશોમાંથી આવ્યા છે.

સાંસદોએ જણાવ્યું હતું કે તેમને ખૂબ જ અમાનવીય હાલતમાં રાખવામાં આવ્યાં છે, તેમને ૨૪ કલાકમાંથી ૨૨ કલાક નાની-નાની કોટડીમાં રાખવામાં આવે છે. ભારતીય સિવાયનાં અન્ય દેશનાં લોકોને કોટડીમાંથી બહાર રહેવા માટે વધુ સમય અપાય છે. વકીલ વેલેરી કૌરે કહ્યું હતું કે, આમાંથી બાવન ભારતીય. ૧૩ નેપાળી અને ૨ બાંગ્લાદેશી છે. તેઓ હિન્દી અને પંજાબી ભાષા બોલે છે. કેટલાક ચાઈનીઝ કેદીઓ પણ છે. ઓરેગોનની એશિયન પેસિફિક અમેરિકન નેટવર્ક કે જે બિનસરકારી સંગઠન છે તેણે કહ્યું હતું કે, મોટાભાગનાં કેદીઓને અલગ રખાયા છે અને તેમને દુભાષિયાની સગવડ પણ અપાતી નથી. તેમનું અપમાન કરાય અને તેમની સાથે બેહુદુ વર્તન કરવામાં આવે છે.

મલ્ટનોમા કાઉન્ટીના કમિશનર સુશીલા જયપાલે ટ્રમ્પનાં આ પગલાને ક્રૂર અને અસાધારણ ગણાવ્યું હતું. આ નીતિનો તત્કાળ અંત લાવવા તેમણે માગણી કરી હતી. પકડાયેલા તમામ લોકોને દુભાષિયા અને સારા વકીલો તેમજ કાનૂની સલાહ આપનાર મળે તેવી માગણી તેમણે કરી હતી. બાળકોને કયાં રખાયા છે તેની જાણ તેમના વાલીઓ અને સગાઓને થવી જોઈએ. રિપ્રેઝન્ટેટિવ્ઝ અર્લ બ્લુમેનોરે આ ઘટનાને અમેરિકાના ઈતિહાસની શરમજનક ઘટના ગણાવી હતી.

(3:49 pm IST)