Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ટ્રેડ વોર વિકરાળ બની ભારત-ચીન ભાઇ-ભાઇઃ ટ્રમ્પને આકરો જવાબ

મોદી સરકારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે કરી લાલ આંખઃ કૃષિ અને સ્ટીલ પ્રોડકટ પર ટેરીફ વધારીને આપ્યો આંચકો : ભારતે અમેરિકાથી આવતી અનેક પ્રોડકટ પરની કસ્ટમ ડયુટી વધારી દીધીઃ ૪ ઓગષ્ટથી અમલઃ ચીને પણ ટ્રમ્પને આપી ધમકી

નવી દિલ્હી, તા., ૨૧: વૈશ્વીક વ્યાપાર યુધ્ધ એટલે કે ટ્રેડ વોર આજે વધુ વિકરાળ બન્યું છે. ચીને કહયું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ  પોતાની વધારાની આયાત ડયુટી પરત નહી લ્યે તો તે વળતી કાર્યવાહી કરશે. જો ભારતે પણ યુરોપીયન યુનીયનનું અનુસરણ કરતા વળતી કાર્યવાહી હેઠળ અમેરીકાથી આવતી અનેક પ્રોડકટ પરની કસ્ટમ ડયુટી વધારી દીધી છે. જેમાં બંગાળી ચણા, મસુર દાળ, આર્ટેમીયા સામેલ છે. નાણામંત્રાલયે જણાવ્યું છેકે, આ ડયુટી ૪ ઓગષ્ટથી લાગુ પડશે.

મટર અને બંગાળી ચણા પરની ડયુટી વધારીને ૬૦ ટકા તથા મસુર દાળ પર ૩૦ ટકા કરવામાં આવી છે. આ સિવાય બોરીક એસીડ પર ૭.પ ટકા તથા ઘરેલુ રીઝેન્ટ પર ૧૦ ટકા ડયુટી લગાવવામાં આવી છે. આર્ટેમીયા પર ડયુટી વધારીને ૧પ ટકા કરી દેવામાં આવી છે.

આ સિવાય ચોક્કસ પ્રકારની નટ, લોઢા અને સ્ટીલ પ્રોડકટસ અને નાસપતી, સ્ટેલનેસ સ્ટીલની ફલેટ રોડ પ્રોડકટસમાં એલોઇ સ્ટીલ, ટયુબ અને પાઇપ ફીટીંગ, સ્ક્રુ, બોલ્ડ, રીવેટ પરની ડયુટી વધારી છે. જો કે અમેરીકાથી આયાત થતા મોટર સાયકલ પર ડયુટી વધારવામાં નથી આવી. અમેરીકાએ ભારતની સ્ટીલ અને એલ્યુમીનીયમ પ્રોડકટ પરની ડયુટી વધારી દીધી હતી જેને કારણે ભારત ઉપર ર૪.૧ કરોડ ડોલરની ડયુટીનો બોજ પડયો હતો. ભારતે આના જવાબમાં આ ડયુટી વધારી છે.

ચીન અને ભારત ટેરીફના મુદ્દે હવે અમેરીકા અને ટ્રમ્પની સામે આવી ગયા છે. ભારતે ટ્રમ્પની ટેરીફ નીતીઓનો આકરો જવાબ આપતા કૃષી અને સ્ટીલ પ્રોડકટસની ડયુટી વધારી દીધી છે.

(3:29 pm IST)