Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મોમ્બાસા ખાતે સહજાનંદ સ્પેશ્યલ સ્કુલમાં સ્વામી માધવપ્રયિદાસજીની પધરામણી

શ્રી મોમ્બાસા સીમેન્ટ વાળા હસમુખભાઇ ભૂડિયાના નિમંત્રણને માન આપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી આ પરિવાર દ્વારા ચાલતી શ્રી સહજાનંદ સ્પેશ્યલ સ્કુલમાં પધાર્યા હતા. જેમાં અંધ, અપંગ, રેડીયેશનને લીધે વિકાસ નહીં પામેલા, માબાપથી તરછોડાયેલા એક હજાર ઉપરાંત દિવ્યાંગ બાફ્રકોની સાર-સંભાળ રાખવામાં આવે છે.

આ બાળકોને સાચવવા માટે બસો માણસોનો સ્ટાફ છે. હસમુખભાઇ ભુડીયા તથા સુરજ ભુડીયા વગેરે પરિવાર આ સ્કુલને નિભાવવા માટે દર મહિને આશરે ત્રણ કરોડ શલીંગથી પણ વધારેની સેવા કરે છે.

સ્વામીશ્રીએ અહીં જણાવ્યું હતું કે, આ દિવ્યાંગ બાળકોને જોતા હૃદય કરુણાથી દ્રવી જાય છે. આ દિવ્યાંગ બાળકોના સાચા માવતર બનનાર શ્રી હસમુખભાઇ ભુડીયા, સૂરજ ભુડીયા તથા આ પરિવારના બહેનો રતનબેન, ધનબાઇ, ભાનુબેન, પુષ્પાબેન વગેરે સર્વને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. આ પરિવારના હૃદયમાંથી આ કરુણાની સરિતા આ પરિવારના અક્ષરનિવાસી આત્માઓ કેશુભાઇ, કાનજીભાઇ તથા અરવિંદના સમયથી અવિરત વહી રહી છે.

બીજે દિવસે હસમુખભાઇના નિમંત્રણથી સ્વામીશ્રી પ્રેમજી ફાર્મમાં આવેલ સહજાનંદ ફીડીંગ સેન્ટરમાં પધાર્યા હતા. એક વરસ પહેલા સ્વામીશ્રીના હસ્તે આ ફીડીંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આજે આ સેન્ટરમાં દર રવિવારે આસરે સાત હજાર બાફ્રકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે. આ માટે આ પરિવાર દર મહિને એક કરોડ શીલીંગની સેવા કરે છે. આ ઉપરાંત સમગ્ર મોમ્બાસા શહેરને નીટ એન્ડ ક્લીન રાખવામાં આ પરિવારનો ખૂબ મોટો ફાફ્રો છે. ઉપરાંત સેંકડો ગામોમાં લાખો લીટર પાણી અને હજારો મણ અનાજ પૂરું પાડવાની સેવા આ પરિવાર કરે છે. કેન્યા ખાતે આ પરિવાર ન માત્ર કચ્છ, પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે. યુનો લેવલે આ પરિવારની સેવાની નોંધ લેવાયેલી છે.

સહજાનંદ ફીડીંગ સેન્ટર ખાતે પ્રથમ કેન્યાનું રાષ્ટ્ર ગીત ગવાયું હતું અને ત્યાર બાદ હજાર બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો. મોમ્બાસાના ઉત્સાહી ભાઈ-ભહેનોએ આ વિતરણની સેવા ઉત્સાહથી ઉપાડી લીધી હતી.

(1:08 pm IST)