Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

જેલમાં ખેતી કામ કરી રહ્યો છે ગુરમીત : દોઢ કિવન્ટલ બટાકાની ઉપજ થઇ

હજુ નથી અપાઇ રહી મહેનતાણાની રકમ

રોહતક તા. ૨૧ : બે સાધ્વીઓ સાથે દુષ્કર્મ મામલે સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહિમને જેલમાં શાકભાજીની ખેતી કરવી ખૂબ પસંદ આવી રહી છે. ગુરમીતે જેલમાં દોઢ કિવન્ટલ બટાટાની ખેતી કરી છે. જેલની એક હજાર યાર્ડની જમીનમાં ગુરમીતે ચારથી પાંચ લીલાં શાકભાજી પણ વાવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે તે જેલમાં ભારે મહેનતથી શાકભાજીની ખેતી કરી રહ્યો છે.

જેલમાં કરાઈ રહેલા આ કાર્યનું ગુરમીતને કોઈ મહેનતાણું મળ્યું નથી કારણ કે કોર્ટે તેના બધા ખાતા સીલ કરી રાખ્યા છે. એવામાં જેલમાં ગુરમીતનો ખર્ચ પરિજનો દ્વારા અપાયેલા રૂપિયાથી ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સાધ્વીઓ સાથે દુષ્કર્મ મામલામાં ગુરમીતને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ૨૫ ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે દોષી જાહેર કર્યો હતો.

આ બાદથી જ તે જેલમાં બંધ છે. અદાલતે તેને ૨૮ ઓગસ્ટે ૨૦ વર્ષની સજા સંભળાવી હતી. જેલના નિયમો મુજબ ગુરમીતને શ્રમ તરીકે ખેતીનું કામ સોંપવામાં આવ્યું હતું. આ માટે જેલ પ્રશાસને તેને એક હજાર યાર્ડની જમીન અપાવી હતી.

ગુરમીતે રોજના લગભગ ૨ કલાક ખેતી કરીને બટેટાં, ટામેટાં અને એલોવિરાની ખેતી કરી હતી. તેમાંથી બટાંકાનો પાક તૈયાર થઈ ગયો છે. લગભગ દોઢ કિવન્ટલ બટાકાની ઉપજ થઈ છે. એલોવિરાના છોડ પર ખૂબ મોટા થઈ ગયા છે. હવે તો માત્ર એલોવિરાને કાપવાનું કામ બાકી છે. તે સવાર-સાંજ યોગ અને ધ્યાન પણ કરે છે અને જેલમાં જ બનેલું ભોજન ખાય છે.

જેલના નિયમો અનુસાર, કોઈપણ કેદીને તેના મહેનતાણાની રકમ રોકડમાં નથી આપવામાં આવતી. પ્રત્યેક કેદીના ખાતામાં ઓનલાઈન જ મહેનતાણાંની રકમ મોકલવામાં આવે છે. અદાલતના આદેશ પર ગુરમીતના બધા ખાતા સીલ કરી દેવામાં આવ્યા છે. એવામાં તેના ખાતામાં હજુ સુધી એકપણ રૂપિયા ટ્રાન્સફર કરાઈ શકાયો નથી.

(1:02 pm IST)